અમેરિકન કોંગ્રેસમાં ચર્ચા નિષ્ફળ રહ્યા પછી કોરોના વાઇરસના રોગચાળાથી અસરગ્રસ્ત અમેરિકન્સને પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા આર્થિક રાહતના પેકેજ પર પોતાના હસ્તાક્ષર કર્યા છે. વ્હાઇટ હાઉસના સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસની નિષ્ક્રિયતાને કારણે પ્રેસિડેન્ટ ટ્રમ્પ જરૂરતમંદ અમેરિકન્સને મદદ માટે કાર્ય કરી રહ્યા છે. અંદાજે બે અઠવાડિયા સુધી થયેલી ચર્ચા પછી પણ વ્હાઇટ હાઉસ અને ડેમોક્રેટસ વચ્ચે સંમતિ સધાઇ નહોતી.
ડેમોક્રેટ સભ્યોએ અગાઉથી ચેતવી દીધા હતા કે પ્રેસિડેન્ટ તરફથી અપાયેલા કોઇપણ એક્ઝિક્યુટિવ ઓર્ડર કાયદાકીય રીતે શંકાસ્પદ હશે અને તેને કોર્ટમાં પડકારવામાં આવે તેવી સંભાવના છે. હકીકતમાં, અમેરિકાના બંધારણમાં ફેડરલ ખર્ચના અધિકાર કોંગ્રેસને આપવામાં આવ્યા છે, એટલે કોરોનાવાઇરસની કટોકટીમાં પણ નાણા કેવી રીતે ખર્ચવા તેનો નિર્ણય પ્રેસિડેન્ટ ટ્રમ્પ એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા કરી શકે નહીં. પરંતુ કોર્ટની કાર્યવાહીમાં ઘણા મહિના થઇ જશે અને ત્રણ મહિનાથી ઓછા સમયમાં પ્રેસિડેન્ટ માટે ચૂંટણી પણ થશે.
અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વને આશ્વાસન આપ્યું હતું કે, કોરોના વાઇરસની રસીનો અન્ય દેશોને પણ લાભ મળશે. વેન્ટિલેટર તથા અન્ય આરોગ્યલક્ષી સામગ્રીની જેમ આ કાર્ય પણ ખૂબ ઝડપથી કરાશે, જેથી વિશ્વના અન્ય દેશોમાં રસીનો પૂરવઠો નિશ્ચિત રીતે પહોંચાડી શકાય.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમારું એડમિનિસ્ટ્રેશન આ કામમાં વ્યસ્ત છે અને વર્ષ 2021ની શરૂઆતમાં અમે રસી બનાવી લઇશું. ઉલ્લેખનીય છે કે, ઘણા દેશો આ વાઇરસની રસીનું પરીક્ષણ કરી રહ્યા છે. અમેરિકન ફાર્મા કંપની મોડેર્નાનું રસી પરીક્ષણ આખરી તબક્કામાં છે.