અમેરિકાની ફેડરલ રિઝર્વની ફેડરલ ઓપન માર્કેટ કમિટિએ બે દિવસની બેઠકના અંતે બુધવારે વ્યાજ દર જાળવી રાખવાનો નિર્ણય કર્યો હતો અને હવે વ્યાજદરમાં ઘટાડાનો સંકેત આપ્યો હતો. માર્ચ 2022થી ફેડે પોલિસી રેટ્સને લગભગ ઝીરોથી વધારીને 5.25થી 5.50ની હાલની રેન્જમાં લાવી દીધા હતા. હાલના રેટ્સ 22 વર્ષના ઊંચા સ્તરે છે.
આની સાથે ફેડરલ રિઝર્વે સતત ત્રીજી વખત વ્યાજ દર જાળવી રાખ્યાં હતાં.અમેરિકામાં ફુગાવા, જીડીપી તથા લેબર માર્કેટમાં સ્થિતિ વ્યાજદરમાં ઘટાડા માટે હવે સાનુકૂળ બની છે. ૨૦૨૧ના મે બાદ ૨૦૨૪માં પહેલી વખત વ્યાજ દરમાં ઘટાડો જોવા મળશે. છેલ્લા બે વર્ષથી ફેડરલે ઊંચા વ્યાજ દર સાથે નાણાં નીતિને આકરી બનાવી રાખી હતી અને ફુગાવાને અંકુશમાં લેવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું.
હાલમાં સેન્ટ્રલ બેંકના પોલિસી રેટ 5.25%-5.50% રેન્જમાં છે. આગામી વર્ષે વ્યાજ દર 0.75 ઘટાડાનો સંકેત આપવામાં આવ્યો છે. જોકે ફુગાવા સામેની લડત સમાપ્ત થઈ હોવાનું કમિટિ હજુ માનતી નથી એમ ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે બેઠક બાદ એક નિવેદનમાં જણાવ્યું હતું.
વર્તમાન વર્ષમાં ફુગાવો ઘટી ૩.૨૦ ટકા જ્યારે ૨૦૨૪માં ૨.૪૦ ટકા રહેવા પણ ધારણાં મૂકવામાં આવી છે. અમેરિકાનો આર્થિક વિકાસ દરનો અંદાજ જે ૨૦૨૩ માટે અગાઉ ૨.૧૦ ટકા મુકાયો હતો તે વધારી ૨.૬૦ ટકા કરાયો છે.
દેશમાં લેબર માર્કેટમાં પોઝિટિવ સંકેત જોવા મળી રહ્યા હોવાનું પણ પોવેલે જણાવ્યું હતું. દરમિયાન બેન્ક ઓફ ઈન્ગલેન્ડે પણ અપેક્ષા પ્રમાણે વ્યાજ દર ૫.૨૫ ટકાના સ્તરે જાળવી રાખવાનો નિર્ણય કર્યો હતો.