મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં શનિવારે પેન્ચ નેશનલ પાર્કના બફર ઝોનની એક નદીમાં વાઘનો તરતો મૃતદેહ મળી આવ્યો હતો. તાંત્રિક વિધિ માટે વાઘની હત્યા કરવામાં આવી હોવાની વન અધિકારીઓને આશંકા છે, કારણ કે વાઘનો પંજો ગુમ થયેલો હતો. આ ઘટનાને પગલે વન વિભાગના અધિકારીઓ દોડતા થયા હતા. રાજ્યના તમામ છ પાર્ક અને રિઝર્વ હજુ ત્રણ મહિના પહેલા જ પ્રવાસીઓ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. મધ્યપ્રદેશના આ વિસ્તારમાં વાઘના સંરક્ષણ સામે તાંત્રિક વિધિને સૌથી મોટું જોખમ માનવામાં આવે છે અને વાઘના ક્ષતવિક્ષપ મૃતદેહ માટે આ વિધિને જવાબદાર માનવામાં આવે છે. તાંત્રિકો બીજી લોકો પર જાદૂ ટોણા કરવા માટે પંજો, નહોર, મૂછોના વાળનો ઉપયોગ કરતાં હોય છે.