કોરોના મહામારીથી આર્થિક પ્રવૃત્તિઓ ખોરવાઈ ગઈ હોવા છતાં ગુજરાત સતત ચોથા વર્ષે 2020-21 દરમિયાન દેશમાં સૌથી વધુ સીધું વિદેશી રોકાણ (એફડીઆઇ) મેળવનારું રાજ્ય બન્યું હતું. 2020-21ના વર્ષમાં ભારતમાં આવેલા કુલ એફડીઆઇમાંથી 37 ટકા સીધું વિદેશી રોકાણ ગુજરાતમાં થયું હતું. 2020-21ના વર્ષ દરમિયાન ગુજરાતમાં એફડીઆઇ પ્રવાહ 30.24 બિલિયન ડોલર રહ્યો હતો.
ભારત સરકારે જારી કરેલા ડેટા મુજબ દેશમાં 2020-21 દરમિયાન દેશમાં કુલ 81.72 બિલિયન ડોલરનું સીધું વિદેશી રોકાણ આવ્યું હતું, જે અત્યાર સુધીનું સૌથી વધુ છે. આમાંથી ગુજરાતમાં 37 ટકા અને મહારાષ્ટ્રમાં 27 ટકા વિદેશી રોકાણ આવ્યું હતું. આ ઉપરાંત કર્ણાટકમાં 13 ટકા એફડીઆઇ આવ્યું હતું.
2019-20માં કુલ એફડીઆઇ 74.39 ટકા રહ્યું હતું. મુખ્યપ્રધાન કાર્યાલય (સીએમઓ)ના એડિશનલ ચીફ સેક્રેટરી મનોજ દાસે જણાવ્યું હતું કે આ વર્ષે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટીનું આયોજન ન થયું હોવા છતાં ગુજરાત એફડીઆઇ આકર્ષવામાં દેશમાં ટોપ પર રહ્યું છે. ચીનમાંથી પોતાના મેન્યુફેક્ચરિંગ બેઝને બીજા દેશમાં ખસેડવા માગતી 700 વૈશ્વિક કંપનીઓને આવકારવા માટે પણ સરકારે કવાયત હાથ ધરી છે.