અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે દાવો કર્યો હતો કે ફ્લોરિડા ખાતેના તેમના મારા લોગા નિવાસસ્થાન પર એફબીઆઇના એજન્ટોએ દરોડા પાડ્યા હતા. ટ્રમ્પે આ કાર્યને એજન્સીની ગેરવર્તણુક ગણાવી હતી. જોકે એફબીઆઇએ દરોડા અંગે કંઇ કહેવાનો ઇનકાર કર્યો હતો. ટ્રમ્પે પણ એવો કોઇ સંકેત આપ્યો ન હતો કે ફેડરલ એજન્ડ શા માટે તેમના નિવાસસ્થાને આવ્યા હતા.
ટ્રમ્પે જણાવ્યું હતું કે, આ આપણા દેશ માટે કાળો સમય છે કારણ કે ડેમોક્રેટ્સ નથી ઈચ્છતા કે, હું 2024માં પ્રેસિડન્ટ પદ માટે ચૂંટણીની તૈયારી કરું એટલા માટે આ થઈ રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ પર આરોપ છે કે, વ્હાઈટ હાઉસ છોડતી વખતે ટ્રમ્પ અનેક સત્તાવાર દસ્તાવેજો પોતાની સાથે લઈ ગયા હતા. આમાથી મોટા ભાગના દસ્તાવેજો સરકારી હતા.
ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકાના પ્રેસિડન્ટ સાથે આવું અગાઉ ક્યારેય થયું નથી. તપાસ એજન્સીઓને સહયોગ આપવા છતાં આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે ન્યાયતંત્રનો એક હથિયાર તરીકે દુરુપયોગ કરવા જેવું છે. આ કટ્ટર લેફ્ટ ડેમોક્રેટ્સનો હુમલો છે. તેઓ નથી ઈચ્છતા કે, હું 2024ની ચૂંટણી લડું.