અમેરિકાના ટોચના વાઇરસ નિષ્ણાત અને દેશના મુખ્ય તબીબી સલાહકાર એન્થોની ફૌસીએ જણાવ્યું છે કે દેશમાં કોરોનાનો સામનો કરવાના મામલે કેટલાક નિયંત્રણો હળવા થઇ શકે છે, પણ પરંતુ અમેરિકનોએ કોરોનાથી બચવા 2020માં પણ કદાચ માસ્ક પહેરવા પડશે.
ફૌસીએ જણાવ્યું હતું કે, 15 ટકાથી ઓછી વસતિને કોરોનાની રસી અપાઇ ચૂકી છે. પ્રતિદિન કોરોનાનો ચેપ પણ નાટ્યાત્મક રીતે ઘટી રહ્યો છે. આમ છતાં કોરોનાથી મોતની કરૂણ ઘટના રોજેરોજ થઇ રહી છે અને મૃત્યુઆંક પણ પાંચ લાખ (4.98 લાખ) થવા આવ્યો છે.
અમેરિકામાં “હર્ડ ઇમ્યુનિટી”ના સંદર્ભમાં ફૌસીએ જણાવ્યું હતું કે આમ કહેવું ઘણું વહેલું ગણાશે, આમ છતાં કોરોનાના આઘાતમાંથી બહાર આવવાનું વિચારતા પૂર્વે આપણે વિભિન્ન તકેદારીથી ચોક્કસ મર્યાદાવાળી “બેઝલાઇન” નીચી લાવવાની જરૂર છે. અમેરિકનોને મોડેથી બુસ્ટર ડોઝના મામલે ફૌસીએ જણાવ્યું હતું કે તેનો આધાર આફ્રિકન સ્ટ્રેઈનની દશાદિશા ઉપર રહેશે. દરમિયાન, અમેરિકામાં કોરોનાનો મૃત્યુઆંક લગભગ પાંચ લાખ (488000) થતાં દેશના ટોચના વાઇરસ નિષ્ણાત અને પ્રેસિડેન્ટ બાઇડેનના મુખ્ય તબીબી સલાહકાર એન્થોની ફૌસીએ તેને ભયાવહ તથા ઐતિહાસિક ગણાવતા ઉમેર્યું હતું કે સો કરતાં વધારે વર્ષ પહેલા 1918ની ઇન્ફલુએન્ઝા મહામારીની જાનહાનિના જેવી ભયાવહ ઘટના વર્તમાન કોરોના મહામારીની જાનહાનિ છે.
ફેબ્રુઆરી, 2020માં અમેરિકામાં કોરોનાથી મોતની પહેલી કરૂણ ઘટના નોંધાઇ તેના એક જ મહિનામાં કોરોનાનો મૃત્યુઆંક એક લાખ થઇ ગયો હતો. ત્યારે ન્યૂ યોર્ક સૌથી વધારે અસરગ્રસ્ત હતું. તે પછી સમગ્ર અમેરિકામાં કોરોનાનો ચેપ અને મૃત્યુદર ભયાનક ઝડપે વધતાં એક મહિનામાં મૃત્યુઆંક લગભગ ચાર લાખ થઇ ગયો હતો. જહોન્સ હોપકિન્સની કોરોના ટ્રેકીંગ વેબસાઇટના છેલ્લા અહેવાલ પ્રમાણે કોરોનાનો મૃત્યુઆંક ગયા સપ્તાહના અંતે (રવિવાર, 21 ફેબ્રુઆરી) 4.98 લાખ થઇ ગયો હતો.
પ્રમુખ બાઇડેને શાસનના પહેલા 100 દિવસમાં 100 મિલિયન લોકોના રસીકરણની વાત દોહરાવતાં ઉમેર્યું હતું કે, હાલમાં પ્રતિદિન સરેરાશ 1.7 મિલિયન લોકોને રસી અપાય છે. તેમણે ઉમેર્યું હતું કે મોટાભાગના દેશવાસીઓના રસીકરણ માટે 600 મિલિયન ડોઝ પૂરતા થઇ શકશે અને આટલા ડોઝનું ઉત્પાદન જુલાઇના અંત સુધીમાં પૂરું થવાની ધારણા છે.
ફૌસીએ જણાવ્યું હતું કે, અમેરિકામાં 61 મિલિયન લોકોને એક અને 18 મિલિયન લોકોને બે ડોઝ મળી ચૂક્યા છે. તાજેતરના સપ્તાહમાં બરફના તોફાનથી રસીકરણ કાર્યક્રમ ધીમો પડ્યો છે. છ મિલિયન ડોઝ મળવામાં વિલંબ થયો છે પરંતુ આ કામચલાઉ પીછેહઠ છે. બે મિલિયન ડોઝ ઉત્પાદન લાઇનથી બહાર આવી ચૂક્યા છે અને હવે વિતરણમાં ગતિ આવશે. જોકે, ફૌસીએ વધુ સરળતા અને ઝડપથી ફેલાતા કોરોનાના નવા સ્ટ્રેઈનના પડકારની પણ નોંધ લીધી હતી.