જમ્મુ-કાશ્મીર ક્રિકેટ એસોસિએશનમાં નાણાની ઉચાપાત સંબંધિત કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લાની શ્રીનગરમાં સોમવારે પુછપરછ કરી હતી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. આ પહેલા પણ આ કેસમાં ઇડીએ તેમની પુછપરછ કરી હતી.
ફારુક અબ્દુલ્લાના નિવેદનને ભૂતકાળની જેમ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ રેકોર્ડ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં ક્રિકેટ બોર્ડમાં કથિત 113 કરોડ રૂપિયાના ગોટાળાનો મામલો ઘણો જુનો છે. પહેલા આ કેસની તપાસ જમ્મુ-કાશ્મીર પોલીસ કરી રહીં હતી, ત્યાર બાદ કોર્ટે તપાસ સીબીઆઇને સોંપી હતી. પાછળથી આ કેસમાં ઇડીએ તપાસ ચાલુ કરી છે, કારણ કે આ કેસને મની લોન્ડરિંગ સાથે જોડવામાં આવ્યો હતો.
વર્ષ 2002થી લઇને 2012ની વચ્ચે જમ્મુ-કાશ્મીર ક્રિકેટ એસોસિએશન (JKCA)ને રાજ્યમાં રમતને પ્રોત્સાહન આપવા માટે 113 કરોડ રૂપિયા ફાળવ્યાં હતા. તપાસ દરમિયાન આરોપ હતો કે બીસીસીઆઇ દ્વારા ફાળવવામાં આવેલા ફંડમાંથી 43.69 લાખ રૂપિયાથી વધારેની કથિત ઉચાપાત કરવામાં આવી છે.
ફારુક અબ્દુલ્લા હાઉસ અરેસ્ટથી છુટ્યાં છે, ત્યારથી સમાચારમાં છવાયેલા છે. થોડા દિવસ પહેલા તેમની આગેવાનીમાં જમ્મુ-કાશ્મીરમાં વિપક્ષી પાર્ટીઓની બેઠક થઇ હતી, જેમાં આર્ટિકલ 370 મામલે વાત થઇ હતી. વિપક્ષી પાર્ટીઓએ ગુકાર સમજૂતિ પર હસ્તાક્ષર કર્યાં છે અને ગઠબંધન બનાવ્યું છે, જે આર્ટિકલ 370 ફરી રાજ્યમાં લાદવાની માગ કરશે.