જમ્મુ-કાશ્મીરમાં પાંચ ઓગસ્ટથી નજરકેદમાં રાખવામાં આવેલા નેતાઓ પૈકી પૂર્વ ત્રણ મુખ્યમંત્રીઓને મૂક્ત કરવા માટે વિપક્ષ દળોએ કેન્દ્ર સરકારને સંયુક્ત રીતે રજૂઆત કરી છે. આઠ વિપક્ષ દળના નેતાઓએ મીડિયા સાથે સંયુક્ત નિવેદન કરી કાશ્મીરમાં રાજકીય નેતાઓને નજરકેદમાંથી મુક્ત કરવાની માંગ કરી હતી.
જે રાજકીય હસ્તીઓને નજરકેદમાં રાખવામાં આવ્યા છે એમાં જમ્મુ-કાશ્મીરના ત્રણ પૂર્વ મુખ્યમંત્રી ફારુખ અબ્દુલ્લા અને ઓમર અબ્દુલ્લા તથા મહેબૂબા મુફ્તી સામેલ છે.
સંયુક્ત પ્રસ્તાવમાં માંગ કરવામાં આવી હતી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં લોકતાંત્રિક અસંમતિને સત્તાના જોરે દબાવવામાં આવી રહી છે. સરકારના આ વલણે ભારતીય બંધારણમાં રહેલા ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને ભાઇચારાના પાયાકીય સિદ્ધાંતોને જોખમમાં નાખ્યા છે. વિપક્ષ દળોએ આરોપ લગાવ્યા હતા કે લોકતાંત્રિક માપદંડો, નાગરિકોના મૌલિક અધિકારો અને એમની સ્વતંત્રતા પર હુમલા વધી રહ્યા છે. જે નેતાઓ મીડિયામાં સંયુક્ત નિવેદન આપ્યુ છે એમાં એનસીપી અધ્યક્ષ શરદ પવાર, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી, પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવેગૌડા, માકપા મહાસચિવ સીતારામ યેચુરી, ભાકપા મહાસચિવ ડી. રાજા, RJDથી રાજ્યસભા સભ્ય મનોજ કુમાર ઝા, યશવંત સિન્હા અને અરુણ શૌરી સામેલ છે.
ફારૂક અબ્દુલ્લા નજરકેદમાંથી મુક્ત
જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન ફારૂક અબ્દુલ્લા 370ની કલમ હટાવવામાં આવી ત્યારથી નજર કેદ હતા, નજરકેદનો સમય પૂર્ણ થતા તેમના પર પીએસએ લગાવવામાં આવ્યો હતો. જોકે હવે આ કાયદાને હટાવી લેવામાં આવ્યો છે અને અંતે ફારૂક અબ્દુલ્લાને છોડી મુકવામાં આવ્યા છે.