સ્લાઉના લેબર એમપી ટેન ઢેસીએ તાજેતરમાં વડાપ્રધાનની પ્રશ્નોત્તરી દરમિયાન ભારતના ખેડૂત વિરોધ પ્રદર્શન અંગે પૂછેલા પ્રશ્ન અને તાજેતરના બોરિસ જોન્સનનો ભારત પ્રવાસ રદ થયા બાદ, બ્રિટનના 100થી વધુ સંસદસભ્યો અને લોર્ડ્ઝે બોરીસ જોન્સનને ભારતીય ખેડુતોના વિરોધ પ્રદર્શન અંગે પત્ર લખ્યો છે.
વડાપ્રધાનને લખેલા આ પત્રમાં શાંતિપૂર્ણ રીતે ભારતમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પર, ખાસ કરીને પંજાબ અને ભારતના અન્ય ભાગોમાંથી નીકળેલા અને શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરી રહેલા હજારો વિરોધીઓ સામે વોટર કેનન, ટિયર ગેસ અને ઘાતક બળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ મુદ્દાએ ભારતીય ડાયસ્પોરા સમુદાયના, ખાસ કરીને પંજાબી અથવા શીખ પૃષ્ઠભૂમિના લોકો, અને અન્ય લોકો કે જેમની ભારતમાં ખેતીની જમીન છે અથવા તો તેઓ કડી ધરાવે છે તેમણે પોતે વ્યસ્ત હોવા છતાં વૈશ્વિક સ્તરે અને યુકેના નગરો અને શહેરોમાં હજારો લોકોએ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો.
આ બાબત તેમના ભારતીય સમકક્ષ સાથે ઉઠાવવા માટે ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબને પણ એક ક્રોસ-પાર્ટી પત્ર મોકલવામાં આવ્યો હતો અને તેમણે ખાતરી આપી હતી કે આ બાબત ભારતીય વિદેશ પ્રધાન સમક્ષ ઉઠાવવામાં આવી છે, પરંતુ તેમણે ડિસેમ્બરમાં યોજાયેલી દિલ્હીની બેઠક દરમિયાન ભારતીય વડા પ્રધાન સાથે તેમ કર્યું ન હતું.
પત્રમાં જણાવાયું હતું કે ‘’બુધવારે તા. 9 ડિસેમ્બરના રોજ વડા પ્રધાનના પ્રશ્નોત્તરી દરમિયાન તમને આ મુદ્દા વિશે પૂછવામાં આવ્યું હતું. એવું લાગે છે કે તમે આ પ્રશ્ન બાબતે ગેરસમજ કરી હતી, કેમ કે તમે પાકિસ્તાનનો સંદર્ભ આપ્યો હતો અને આ બાબતે સમાધાન કરવી “તે બે સરકારો”ની જરૂરિયાત છે તેમ જણાવ્યું હતું. અલબત્ત આ મુદ્દાને પાકિસ્તાન સાથે કોઈ લેવા દેવા નથી, પરંતુ ભારતના ખેડુતોનો નવા કૃષિ કાયદાના કારણે આ ક્ષેત્રમાં પ્રવેશી રહેલા મુખ્ય કોર્પોરેટ્સ અંગેની ચિંતા અને વિરોધ વ્યક્ત કરવા અંગેનો છે.’’ પત્રમાં બોરીસ જોન્સનને તેઓ ભારતીય વડા પ્રધાનને મળે ત્યારે વર્તમાન મડાગાંઠ માટે ઝડપથી નિરાકરણ લાવવાની આશા વ્યક્ત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય સમુદાય અને સોશ્યલ મીડીયામાં એવો વ્યંગ કરાઇ રહ્યો છે કે વડાપ્રધાન જોન્સને પાકિસ્તાન આ બધી બાબતો અંગે જવાબદાર છે તેમ આડકતરી રીતે જણાવવા માટે વ્યંગમાં પાકિસ્તાને ભારત સાથે આ મામલો સહમતીથી હલ કરવો જોઇએ તેમ જણાવ્યું હતું. જોન્સને તે વખતે જે રીતે ટૂંકમાં જવાબ આપ્યો હતો તે જોતાં લાગી રહ્યું છે કે તેઓ ટેન ઢેસી અને રજૂઆત કરનારા લોકોના પત્ર કે રજૂઆતને ભારતની આંતરિક બાબતમાં દખલ ગણી કોઇ પ્રતિભાવ આપવાથી દૂર રહે છે. બાકી વડાપ્રધાનને ગેરસમજ થાય તેવી શક્યતા જૂજ હોય તેમ લાગે છે. બીજી તરફ ખાલીસ્તાની જૂથો અને કેટલાક ભારત વિરોધીઓ દ્વારા આ આંદોલનને ટેકો આપવામાં આવતો હોવાના આક્ષેપો બાદ અને દેશના બીજા ખેડૂતોને કોઇ વાંધો કે વિરોધ ન હોય તેમ પંજાબ સીવાયના ભારતના અન્ય પ્રદેશોમાં આ આંદોલન નહિંવત હોવાનું જણાય છે.