ખેડૂતોના આંદોલનને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાને પાછા ખેંચી લેવાની પ્રક્રિયા ચાલુ કરી છે, પરંતુ હજુ ખેડૂતોની બીજી છ માગણી પેન્ડિંગ છે. તેમાંથી એક માગણી વીજળી (સુધારા) ખરડો, 2021ને પાછો ખેંચી લેવાની છે. ખેડૂતો માને છે કે આ વીજળી ખરડાથી સબસિડીવાળી વીજળી મળતી બંધ થઈ જશે અથવા તો પહેલા વીજળી બિલ ભરવું પડશે અને પછી સબસિડીનો દાવો કરવો પડશે. મોદી સરકાર માટે વીજળી ક્ષેત્રના સુધારારૂપ આ ખરડાને પાછું ખેંચી લેવાનું મુશ્કેલ બનશે.
છેલ્લાં એક કાયદામાં ભારતમાં વીજળીના દરોમા મોટો ફેરફાર થયો છે અને ખેડૂતોને ચિંતા છે કે ખાનગીકરણથી વીજળી મોંઘી થઈ જશે અને સબસિડી મેળવવાનું મુશ્કેલ બનશે. કિસાન નેતા પુષ્પેન્દ્ર સિંહે જણાવ્યું છે કે વીજળીનુ પૂરેપુરુ બિલ ભરવાથી ખેડૂતો પર આર્થિક દબાણ આવશે. વધુ સારી વાત એ છે કે ખેડૂતોને સબસિડી ચાર્જનું પેમેન્ટ કરવાની છૂટ મળે અને બાકીનું પેમેન્ટ સરકાર પાસેથી વસૂલ કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કે છેલ્લાં એક દાયકામાં હરિયાણામાં વીજળીના દરોમાં ઘટાડો થયો છે, જ્યારે ઉત્તરપ્રદેશમાં વીજળીના દરમાં વધારો થયો છે. હરિયાણામાં 2010માં 2,5 અથવા 10 હોર્સપાવર સાથેના કનેક્શનનો રેટ પ્રતિકલાક-કિલોવોટ દીઠ 25 પૈસા હતા, જે 2020માં ઘટીને 10 પૈસા થયા હતા. ઉત્તરપ્રદેશમાં આ દર 2020ની સાલમાં 224 પૈસા હતો, જે 2020માં વધીને 656 પૈસા થયા હતા. એક રીપોર્ટ મુજબ દેશમાં બે કરોડથી વધુ લોકોને કૃષિ કેટેગરી હેઠળ વીજ કનેક્શન મળેલું છે. નવા નિયમથી આ તમામ કિસાનોને અસર થઈ શકે છે. 2019માં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 42.5 લાખ કૃષિ કનેક્શન હતા. આ ઉપરાંત કર્ણાટકમાં 29.7 લાખ, મધ્યપ્રદેશમાં 29.1 લાખ કનેક્શન હતા. છેલ્લાં બે દાયકાથી કૃષિ ક્ષેત્રમાં વીજળીની માગમાં વધારો થયો છે.