કેન્દ્રના કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીના સીમાડે આંદોલન કરી રહેલા ખેડૂતોએ 6 ફેબ્રુઆરીએ દેશવ્યાપી ચક્કાજામ કરવાની જાહેરાત કરી છે. આંદોલન સ્થળની નજીકના વિસ્તારમાં ઈન્ટરનેટ પ્રતિબંધ, અધિકારીઓ દ્વારા કથિત હેરાનગતિ અને અન્ય સમસ્યાને પગલે ખેડૂતો ત્રણ કલાક સુધી રાષ્ટ્રીય તેમજ સ્ટેટ હાઈવેને જામ કરીને વિરોધ નોંધાવશે.
ખેડૂતોના વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર બને તેવા એંધાણને પગલે દિલ્હી પોલીસે શહેરની સરહદ પર લોખંડી બંદોબસ્ત ખડકી દીધો છે. વધારાનો પોલીસ કાફલો ખડકવા ઉપરાંત બેરિકેડ્સની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે. દેખાવના સ્થળો પર અને તેની આસપાસના વિસ્તારમાં ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. લોકોને પગપાળા સરહદ ઓળંગતા રોકવા કાંટાવાળા તાર પણ ગોઠવવામાં આવ્યા છે.
પોલીસ તરફથી ગાજીપુર બોર્ડર, ટિકરી બોર્ડર અને સિંધુ બોર્ડર પર તૈયારીઓ કરવામાં આવી રહી છે. સિમેન્ટના મોટા-મોટા બેરિકેડ બનાવવામાં આવ્યા છે. કાંટાળા તારના ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેથી ખેડૂતો ફરીથી દિલ્હી તરફ ટ્રેક્ટર ના લઈ આવે.