ખેડૂત નેતા નરેશ ટિકૈતે રવિવારે જણાવ્યું હતું અમે વડાપ્રધાન મોદીએ કહેલી વાતોનું સન્માન કરીએ છીએ અને તેમની ગરિમાનું સન્માન કરીશું, પરંતુ અમારા આત્મસન્માન પણ બચાવીશું. અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, પ્રજાસત્તાકદિને દેશના રાષ્ટ્રધ્વજનું અપમાન થતું જોઈને દેશ દુઃખી થયો હતો અને સરકાર વાતચીત માટે તૈયાર છે.
નરેશ ટિકૈતે કહ્યું હતું કે, અમે નથી ઇચ્છતાં કે, સરકાર અથવા સંસદ ઝૂકે. પરંતુ અમે ખેડૂતોનું આત્મસન્માન પણ બચાવીશું. 26મી જાન્યુઆરીએ થયેલી હિંસા ષડયંત્રનું પરિણામ છે. આ ઘટનાની ઊંડી તપાસ કરવામાં આવે. અમે ક્યારેય કોઇને તિરંગાનું અપમાન નહીં કરવા દઇએ. સરકારે અમારા લોકોને મુક્ત કરવા જોઇએ અને વાતચીત માટે એક મંચ તૈયાર કરવો જોઇએ. આશા છે કે એક મધ્યસ્થ માર્ગ મળી જશે.
ઉલ્લેખનીય છે કે, બજેટ સત્રને મુદ્દે શનિવારે થયેલી સર્વદળીય બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા આંદોલનકારી ખેડૂતો માટે મહત્વનું નિવેદન આપ્યુ હતું. બેઠક દરમિયાન વડાપ્રધાને જણાવ્યું કે સરકાર ખેડૂતો સાથે વાટાઘાટો માટે હમેશાંથી તૈયાર છે. મોદીએ એમ પણ કહ્યુ હતું કે ખેડૂતોથી સરકાર માત્ર એક ફોન કોલ જેટલા અંતરે છે.
રવિવારે ખેડૂત આંદોલનનો 67મો દિવસ હતો. હવે ખેડૂત નેતાઓ અને સરકાર વચ્ચે આગામી 13મા રાઉન્ડની બેઠક 2 ફેબ્રુઆરીએ યોજાવાની છે.