હાલમાં ચાલી રહેલા ભારતીય ખેડૂત વિરોધ પ્રદર્શન અને શાંતિપૂર્ણ વિરોધીઓ અને કાર્યકરો પર કરવામાં આવતા કહેવાતા દમન અંગે 100 કરતા વધુ સાંસદો અને અગ્રણીઓની સહીઓ સાથે વડા પ્રધાનને પત્ર લખનાર સ્લાઉના એમપી અને તન્મનજીતસિંહ ઢેસીના પ્રશ્નનો ઉત્તર આપતાં સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ અફેર્સ મીનીસ્ટર ડોમિનિક રાબે જણાવ્યું હતું કે તેમણે આ અંગે ભારતના વિદેશ મંત્રી શ્રી જય શંકર સાથે વાત કરી હતી પરંતુ આપણે ભારતની લોકશાહી પ્રક્રિયાને માન આપવું જોઇએ.
તન્મનજીતસિંહ ઢેસીએ પાર્લામેન્ટમાં પૂછ્યું હતું કે “આ ગૃહના 100થી વધુ સભ્યોએ વડા પ્રધાનને ભારતમાં શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા ખેડુતો માટેની અમારી ચિંતાઓ અંગે ક્રોસ-પાર્ટી પત્ર લખી પૂછ્યું હતું. શું સેક્રેટરી ઓફ સ્ટેટ સંમત થાય છે કે ત્યાંના સત્તાવાળાઓએ શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા લોકો, યુનિયનના નેતાઓ અને માનવાધિકાર કાર્યકર્તાઓને નોટિસ આપવાનું શરૂ કર્યું છે? અને અધિકારીઓ દ્વારા પજવણી અને ધમકાવવાના ભયજનક અહેવાલો છે? ”
ડોમિનિક રાબે તેમનો જવાબ આપતાં પાર્લામેન્ટમાં જણાવ્યું હતું કે “મેં તેમના ચિંતાઓ અંગે ડિસેમ્બરમાં જ્યારે હું ભારત ગયો હતો ત્યારે મેં વિદેશ પ્રધાન શ્રી જયશંકર સાથે વિરોધ પ્રદર્શનની ચર્ચા કરી હતી. અલબત્ત, આ એક મોટો, સરકારની આગેવાની હેઠળનો સુધારો છે કે જે ઉદારીકરણ પ્રક્રિયાના ભાગ રૂપે સબસિડીને ઘટાડે છે, પરંતુ માનનીય સદગૃહસ્થ (ઢેસી) વિરોધ માટેની સ્વતંત્રતા અને સંવેદનશીલતા વિશે કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ રજૂ કરે છે. અલબત્ત, ભારતનું રાજકારણ આપણું રાજકારણ છે, પરંતુ આપણે તેની લોકશાહી પ્રક્રિયાને માન આપવાની જરૂર છે.”