ખેડૂત આંદોલન દરમિયાન કોઇ ખેડૂતનું મોત થયું નથી તેવા સરકારના નિવેદનથી વિવાદ ઊભો થયો હતો. કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે ખેડ઼ૂતમાં આંદોલનમાં કોઇ ખેડૂતના મોતની માહિતી નથી અને તેથી નાણાકીય સહાય કે વળતરનો કોઇ સવાલ ઊભો થતો નથી.
ખેડૂત નેતા અને કિસાન મોરચાની કોર કમિટીના સભ્ય શિવકુમાર શર્મા ઉર્ફે કાકાજીએ આક્ષેપ કર્યો હતો કે સરકાર જુઠ્ઠાણા ચલાવી રહી છે અને આવી ટીપ્પણી કરીને પોતાની જવાબદારીમાંથી છટકી રહી છે. ઇન્ટેલિજન્સ બ્યૂરોની ટીમે આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા ખેડૂતો અંગેની માહિતી એકત્ર કરી હતી, પરંતુ સરકાર કહે છે કે આવા મોતનો કોઇ રેકોર્ડ નથી. સરકાર સંસદમાં જુઠ્ઠુ બોલી રહી છે.
દિલ્હીની સરહદો પર આંદોલન કરી રહેલા સંયુક્ત કિસાન મોરચાએ સંસદમાં સરકારના આ નિવેદનની આકરી ટીકા કરી હતી અને આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને નાણાકીય સહાયની માગણીનો પુનરુચ્ચાર કર્યો હતો. એક નિવેદનમાં કિસાન મોરચાએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર મંત્રણા ફરી ચાલુ ન કરીને અને ખેડૂતોના પત્રનો કોઇ જવાબ ન આપીને ખેડૂતોમાં ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપ સરકારે આ તબક્કે ખેડૂતોમાં ભાગલાના પ્રયાસોને અટકાવવા જોઇએ. ખેડૂતો એકજૂથ છે અને મોદી સરકારે વિભાજનકારી એજન્ડા બંધ કરવો જોઇએ.