દિલ્હીના સીમાડે આંદોલન કરી રહેલા ખેડૂતોઓએ સોમવારથી અનિશ્ચિત મુદત માટે વારાફરતી ભૂખ હડતાળ ચાલુ કરી હતી. કૃષિ કાયદાના વિરુદ્ધના આ આંદોલનમાં અત્યાર સુધીમાં સંત બાબા રામસિંઘ સહિત 30 ખેડૂતો જાન ગુમાવી ચૂક્યા હતા. ખેડૂતો સાથે પાંચ રાઉન્ડની મંત્રણા નિષ્ફળ રહ્યાં બાદ રવિવારે સરકારે મંત્રણાની નવી તારીખ પસંદ કરવા માટે ખેડૂતોને અનુરોધ કર્યો હતો.
બીજી બાજુ સામાજિક કાર્યકર અણ્ણા હજારેએ પણ દિલ્હીમાં કોઇ સ્થળે બેસીને આમરણ ઉપવાસ કરવાની પરવાનગી દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકાર પાસે માગી હતી.
દિલ્હીના સીમાડે ખેડૂતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. દેખાવકારોએ રવિવારે તેમના આંદોલનને જલદ બનાવવાની જાહેરાત કરી હતી. સ્વરાજ ઇન્ડિયાના વડા યોગેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે અમે અહીં અનિશ્ચિત મુદત માટે વારાફરતી ભૂખ હડતાલ કરીશું, જેમાં 11 નેતાઓ ભાગ લેશે અને દરેક નેતા 24 કલાક માટે ભૂખ હડતાલ કરશે.
દેખાવકારોએ બુધવારે કિસાન દિવસે દેશભરના લોકોને એક દિવસનું ભોજન ટાળવાનો અનુરોધ કર્યો હતો. રવિવારે દેખાવકારોએ જણાવ્યું હતું કે વડાપ્રધાનની આગામી મન કી બાત દરમિયાન તેઓ થાળી વગાડીને તેનો વિરોધ કરશે. યોગેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે 27 ડિસેમ્બરે વડાપ્રધાન રેડિયોમાં મન કી બાત પ્રોગ્રામમાં સંબોધન કરશે, ત્યારે ખેડૂતો કહેશે કે અમે તમારી મન કી બાત સાંભળીને થાકી ગયા છીએ, તમે અમારી મન કી બાત ક્યારે સાંભળશો.
છેલ્લા 23-24 દિવસથી ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. સરકારે એક કરતાં વધુ વખત જુદી જુદી ઓફર કરી હતી પરંતુ ખેડૂતો માન્યા નહોતા. ખેડૂતો નવા ત્રણ કાયદાને પાછા ખેંચવાની માગણી કરી રહ્યાં છે, બીજી તરફ સરકાર નમતુ જોખવા માટે તૈયાર નથી.