મંગળવારે સરકાર સાથે 35 ખેડૂત સંગઠનોની 3 કલાક સુધી ચાલેલી મંત્રણા નિષ્ફળ રહી હતી. સરકારે ત્રણ કૃષિ કાયદાના વિવાદાસ્પદ મુદ્દાની વિચારણા કરવા માટે એક સમિતિ બનાવવાની દરખાસ્ત કરી હતી, પરંતુ ખેડૂત નેતાઓએ તેને ફગાવી દીધી હતી, હવે સરકાર અને ખેડૂતો નેતાઓ વચ્ચે ત્રણ ડિસેમ્બરે ફરી મંત્રણા થશે.
મંગળવારની બેઠકમાં સરકારે કૃષિ કાયદાના વિવિધ લાભ દર્શાવ્યા હતા, પરંતુ ખેડૂત ત્રણ કાયદાને પાછા લેવાની માગણીને વળગી રહ્યા હતા. તેમણે એમએસપી પર એક કાયદો બનાવવાની પણ માગણી કરી હતી. મંગળવારની બેઠકમાં સરકાર તરફથી કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર ઉપરાંત રેલવે પ્રધાન પીયૂષ ગોયલ અને વાણિજ્ય રાજ્યપ્રધાન સોમપ્રકાશ હાજર રહ્યાં હતા. આ ત્રણેય પ્રધાનો બુધવારે ગૃહપ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરશે.
દરમિયાન ઉત્તરપ્રદેશના ખેડૂતોએ સતત બીજા દિવસે નોઇડા દિલ્હી બોર્ડરમાં દેખાવો કર્યો હતો. અહીં હજારો ખેડૂતો એકઠા થયા છે. તેનાથી ઉત્તરપ્રદેશ અને રાષ્ટ્રીય રાજધાની દિલ્હીને જોડાતો એક મહત્ત્વના માર્ગ બંધ થઈ ગયો છે. નોઇડા ટ્રાફિક પોલીસે બુધવારે દિલ્હી જતાં મુસાફરોને ચિલ્લા રૂટ ટાળીને ડીએનડી કે કાલિન્દી કૂંજ રૂટનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી.
કેન્દ્ર કૃષિ કાયદાના વિરોધમાં સાત દિવસથી દિલ્હી-હરિયાણા બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂતોને મનાવવાના સરકારના પ્રયાસ મંગળવારે નિષ્ફળ રહ્યાં હતા અને હવે ગુરુવારે સરકાર અને ખેડૂત નેતાઓ સાથે ફરી મંત્રણા થશે. ત્રણ કૃષિ કાયદાને રદ કરવાની માગણી સાથે પંજાબ અને હરિયાણાના હજારો ખેડૂતો દિલ્હી-હરિયાણાની સરહદ પર એકઠા થયા છે.