દિલ્હીની બોર્ડર્સ પર આંદોલન કરી રહેલા ખેડૂતોએ તેમની પેન્ડિંગ માગણીઓ અંગે કેન્દ્ર સરકાર સાથે મંત્રણા કરવા માટે પાંચ સભ્યોની એક સમિતિની રચના કરી છે. શનિવારે સંયુક્ત કિસાન મોરચાની બેઠક બાદ ખેડૂત નેતાઓએ આ નિર્ણય કર્યો હતો. મોરચાની આગામી બેઠક સાત ડિસેમ્બરે યોજાશે, જેમાં આંદોલનના ભાવિ અંગે નિર્ણય કરાશે. ખેડૂતો કૃષિ પેદાશોના ટેકાના ભાવ માટે કાનૂની ગેરંટી, આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા ખેડૂતોના પરિવારજનોને વળતર અને આંદોનલકારીઓ સામેના તમામ પોલીસ કેસો પાછા ખેંચી લેવાની માગણી કરી રહ્યા છે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આ સપ્તાહના પ્રારંભમાં વરિષ્ઠ ખેડૂતો નેતાઓ સાથે ફોન પર વાતચીત કર્યા બાદ સંયુક્ત કિસાન મોરચાએ આ હિલચાલ કરી છે. એક ખેડૂત નેતાએ જણાવ્યું હતું કે પાંચ સભ્યોની સમિતિ ખેડૂતોની પેન્ડિંગ માગણીઓ અંગે સરકાર સાથે મંત્રણા કરશે. સરકાર સાથે ભૂતકાળમાં અનૌપચારિક મંત્રણા થઈ છે, પરંતુ ખેડૂતો બાકીના મુદ્દા અંગે કેન્દ્ર પાસેથી લેખિત બાંયધરી માગે છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં SKMની રાજ્ય સ્તરની સમિતિઓ જે રાજ્યોમાં આંદોલનકારી ખેડૂતો સામે પોલીસ કેસ કરવામાં આવ્યા છે તે રાજ્યોના ગૃહ પ્રધાનો સાથે બેઠકો કરે તેવી શક્યતા છે.
SKMએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમારા દ્વારા ઉઠાવવામાં આવેલા દરેક મુદ્દા અંગે વિધિવત પ્રતિસાદ આપવામાં ન આવે ત્યાં સુધી અમે આ આંદોલનને સમાપ્ત કરીશું નહીં. અમે ઇચ્છીએ છીએ કે ખેડૂતો અને તેમના સમર્થકો સામે કરવામાં આવેલા તમામ કેસોનો પાછા ખેંચી લેવામાં આવે.
ખેડૂતોની પાંચ સભ્યોની સમિતિમાં બલબિર સિંહ રાજેવાલ, અશોક ધાવલે, શિવકુમાર કક્કા, ગુરનામ સિંહ ચૌદુની અને યુધવીર સિંહેનો સમાવેશ થાય છે. શનિવારે SKMની બેઠક બાદ પત્રકારોને સંબોધન કરતાં ખેડૂત નેતા રાકેશ ટિકૈતે જણાવ્યું હતું કે મોરચાની આગામી બેઠક 7 ડિસેમ્બરે સવારે 11 વાગ્યે યોજાશે, જેમાં આંદોલનના ભાવિ અંગે નિર્ણય કરવામાં આવશે. SKMએ જણાવ્યું હતું કે મૌખિત બાંયધરી અંગે ભૂતકાળમાં કડવો અનુભવ થયો છે.
—
regards