કૃષિ કાયદાની વિરોધમાં દિલ્હીમાં આંદોલન કરી રહેલા ખેડૂતો અને સરકાર વચ્ચેની શુક્રવારે યોજાયેલી 11માં રાઉન્ડની મંત્રણામાં પણ કોઇ ઉકેલ આવ્યો ન હતો. આગામી બેઠક માટે સરકાર તરફથી કોઈ તારીખ નક્કી કરાઈ નથી. સરકારે અગાઉ ત્રણ કૃષિ કાયદા દોઢ વર્ષ માટે મોકૂફ રાખવાની દરખાસ્ત કરી હતી, પરંતુ ખેડૂતોએ આ દરખાસ્તને ફગાવી દીધી હતી અને ત્રણ કાયદા નાબૂદ કરવાની માગણીને વળગી રહ્યાં હતા.
કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે ખેડૂતોને તમામ દરખાસ્ત કરી દેવાઈ છે, પરંતુ જો ખેડૂતો પાસે કોઈ સારા વિકલ્પ છે તો તે સરકાર પાસે લઈને આવી શકે છે. મીડિયા રિપોર્ટસ મુજબ, સરકારે કૃષિ કાયદાને લઈને સતત ચાલતી બેઠકોનું કોઈ પરિણામ ન નીકળતું જોઈને પોતાનું વલણ કડક કર્યું હતું. સરકારે ખેડૂતોને કહ્યું છે કે, સૌથી સારો અને છેલ્લો વિકલ્પ આપી દેવાયો છે. ભવિષ્યમાં બીજો કોઈ વિકલ્પ આપવામાં આવશે નહીં.
ખેડૂત યુનિયનોએ આ બેઠકમાં પણ સરકારે કહ્યું હતું ત્રણેય વિવાદાસ્પદ કૃષિ કાયદાને સંપૂર્ણ રીતે રદ કરવામાં આવે. બેઠક પછી ખેડૂત નેતા રાકેશ ટિકેતે કહ્યું કે, ‘સરકાર તરફથી કહેવાયું કે, 1.5 વર્ષને બદલે 2 વર્ષ સુધી કૃષિ કાયદાને સ્થગિત કરી ચર્ચા કરી શકાય છે. તેમણે કહ્યું કે, જો આ પ્રસ્તાવ પર ખેડૂતો તૈયાર છે તો આવતીકાલે ફરી વાત કરી શકાય છે, કોઈ અન્ય પ્રસ્તાવ સરકારે નથી આપ્યો.’ રાકેશ ટિકેત કહ્યું હતું કે, ટ્રેક્ટર રેલી પહેલાની જેમ જ આયોજિત કરાશે.