કૃષિ સુધારાનો વિરોધ કરી રહેલા ખેડૂતોને કૃષિ પેદાશોના ટેકાના લઘુતમ ભાવના મુદ્દે રવિવારે આરએસએસના સહયોગી સંગઠન સ્વદેશી જાગરણ મંચનો ટેકો મળ્યો હતો. સ્વદેશી જાગરણ મંચે રવિવારે જણાવ્યું હતું કે MSPને કાનૂની ગેરંટી બનાવવી જોઇએ. ખેડૂતોને આની સાથે આરએસએસ સંલગ્ન બીજા સંગઠનનો ટેકો મળ્યો છે. અગાઉ ભારતીય કિસાન સંઘે આ આંદોલનને ટેકો આપ્યો હતો.
આંદોલનકારી ખેડૂતો કેન્દ્ર સરકારના તાજેતરના ત્રણ કૃષિ કાયદાને નાબૂદ કરવાની માગણી કરી રહ્યાં છે, પરંતુ સ્વદેશી જાગરણ મંચે જણાવ્યું છે કે નવો કાયદો બનાવાની કે હાલના કાયદામાં સુધારો કરીને ટેકાના ભાવ અંગે કાનૂની ગેરંટી આપવી જોઇએ. જોકે કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે તે એમએસપી ચાલુ રાખવા અંગે લેખિત બાંયધરી આપવા માટે તૈયાર છે.
મંચના કો-કન્વીનર અશ્વની મહાજને જણાવ્યું હતું કે એમએસપી અંગે કાનૂની ગેરંટી માત્ર ખેડૂતો માટે જ નહીં, પરંતુ દેશના અન્ન સુરક્ષા માટે મહત્ત્વની છે.
નવા ખેડૂત કાયદા વિરુદ્ધ ખેડૂતોના આંદોલનનો સોમવારે 19મો દિવસ છે. ભારતીય ખેડૂત યૂનિયનના પ્રેસિડેન્ટ ગુરનામ સિંહ ચઢૂનીએ કહ્યું હતું કે, સરકાર MSP અંગે બધાને ગેરમાર્ગે દોરી રહી છે. એક બાજુ ભાજપ એવો પ્રચાર કરી રહી છે કે MSP ચાલું રહેશે. બીજી તરફ તરફ ગૃહપ્રધાન અમિત શાહે 8 ડિસેમ્બરે અમારી સાથે મીટિંગમાં કહ્યું હતું કે, સરકાર તમામ 23 પાકને MSP પર ન ખરીદી શકે, કારણ કે આની પર 17 લાખ કરોડ રૂપિયા ખર્ચ થશે. બીજી બાજુ ગૃહપ્રધાન અમિત શાહ અને કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ખેડૂતા મુદ્દા પર સોમવારે ફરી મીટિંગ કરી હતી.