કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદા સામે આંદોલનના 18માં દિવસે ખેડૂતોએ રવિવારે દિલ્હી-જયપુર હાઇવે ત્રણ કલાક માટે બંધ કરી હતો. આ હાઇવેને આ પછીથી આંશિક રીતે ખોલવામાં આવ્યો હતો. પંજાબ અને હરિયાણાના ખેડૂતો બાદ રવિવારે રાજસ્થાનના ખેડૂતો પણ આંદોલનમાં સામેલ થયા હતા. ખેડૂત નેતાઓ સોમવારે સવાર આઠથી સાંજે પાંચ વાગ્યા સુધી ભૂખ હડતાલ કરવાની જાહેરાત કરી હતી.
ખેડૂતોએ સોમવારે રાષ્ટ્રવ્યાપી દેખાવો કરવાની યોજના બનાવી છે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ખેડૂતોને સમર્થન આપવા માટે સોમવારે એક દિવસના અનસનની પણ જાહેરાત કરી હતી. બીજી તરફ સરકાર તરફથી પણ આ આંદોલનના ઉકેલ માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા. રવિવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કૃષિ પ્રધાન સાથે બેઠક કરીને આ મુદ્દાની ચર્ચા કરી હતી.
રાજસ્થાન અને હરિયાણા બોર્ડર નજીકના શાહજહાંપુર ખાતે સેંકડો ખેડૂતોએ ચક્કાજામ કર્યો હતો અને ટ્રેકટર્સ રેલી કાઢી હતી. તેનાથી દિલ્હી અને જયપુર વચ્ચેનો નેશનલ હાઈવે જામ થઇ ગયો હતો. એ પછી પોલીસને બીજા રસ્તા પરથી વાહનોને ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી.
રાજસ્થાનના ખેડૂતો પણ હવે આંદોલનમાં ઝુકાવી રહ્યા હોવાના સંકેતો મળી રહ્યા છે.અત્યાર સુધી પંજાબ અને હરિયાણાના જ ખેડૂતો મોટાભાગે આ આંદોલનમાં જોવા મળ્યા છે ત્યારે રવિવારે રાજસ્થાનના ખેડૂતો પણ આ આંદોલનમાં ઝુકાવે તેવા એંધાણ મળી રહ્યા છે.
પંજાબ પોલીસના સસ્પેન્ડેડ ડીઆઈજી લખવિન્દર સિંહ જાખડે ખેડૂત આંદોલનના સમર્થનમાં રાજીનામુ આપવાની રવિવારે ઓફર કરી હતી. તેમને થોડા સમય પહેલા જ ભ્રષ્ટાચારના એક મામલામાં સસ્પેન્ડ કરાયા છે. જોકે તેમનુ રાજીનામુ પંજાબ સરકારે હજી સુધી મંજૂર કર્યુ નથી.