સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાએ સોમવારે જણાવ્યું હતું કે સરકાર ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાનો અમલ મોકૂફ રાખે અથવા અમે તેને અટકાવી દઉશું. અહીં અહંકારનો સવાલ નથી. દિલ્હીના સીમાડે કૃષિ આંદોલનથી સ્થિતિ વધુ ખરાબ થઈ છે. ત્રણ કૃષિ કાયદાને પડકારતી પિટિશનની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે આ આકરી ટિપ્પણી કરી હતી.
ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે જો કંઇ ખોટું થશે તો આપણે દરેક જવાબદાર બનીશું. કોઇ નુકસાન કે જાનહાની અમે ઇચ્છતાં નથી. સુપ્રીમ કોર્ટે સૂચન કર્યું હતું કે કૃષિ કાયદાના અમલ પર સ્ટેટ મૂક્યા બાદ ખેડૂતોનો દેખાવો ચાલુ રહી શકે છે. જોકે તમે નક્કી કરો કે તમે સમાન સ્થળે દેખાવો કરવા માગો છો કે બીજી જગ્યાએ જવા માગો છો.
એટર્ની જનરલ કે કે વેણુગોપાલે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટની પરંપરા કહે છે કે કોર્ટ કોઇ કાયદા પર મનાઇહુકમ આપી શકે નહીં.
દિલ્હીના સીમાડે આશરે એક મહિનાથી આંદોલન કરી રહેલા ખેડૂતો ત્રણ કૃષિ કાયદાને પાછા ખેંચી લેવાની માગણી કરી રહ્યાં છે. ખેડૂતો અને સરકાર વચ્ચે અત્યાર સુધી આઠ રાઉન્ડની મંત્રણા થઈ છે, પરંતુ તેમાં કોઇ સમાધાન થયું નથી.