ભારતમાં કૃષિ વિષયક સુધારા સામે ભારતના પાટનગર નવી દિલ્હી અને તેની ફરતે આવેલા રાજ્યોની સરહદ પર ચાલી રહેલા ખેડૂત આંદોલન અને વિરોધ પ્રદર્શનના ટેકામાં રવિવારે તા. 6 ડીસેમ્બરના રોજ સેન્ટ્રલ લંડનમાં ઑલ્વીચ ખાતે આવેલા ભારતીય હાઇકમિશન સામે ઇંગ્લેન્ડના જુદા જુદા વિસ્તારમાંથી આવેલા બ્રીટીશ શીખોએ દેખાવો કર્યા હતા. જેમાં કેટલાક લોકોએ ખાલિસ્તાની ઝંડાઓ હાથમાં રાખીને સૂત્રોચ્ચારો કર્યા હતા. કેટલાક જૂથોએ ટ્રફાલ્ગર સ્ક્વેર વિસ્તારની આસપાસ કૂચ કરી હતી. સ્કોટલેન્ડ યાર્ડ પોલીસે 30થી વધુ દેખાવકારોની ધરપકડ કરી હતી અને દંડ ફટકાર્યો હતો. પોલીસે ભારતીય હાઇકમિશનને આવા દેખાવો થવાના હોવાની આગોતરી જાણ કરી હતી.
પોલીસે આ અગાઉ જ ચેતવણી આપી હતી કે કોરોનાવાયરસના ફેલાવાને રોકવા માટે કડક નિયમો સાથે પોલીસ કાયદેસર કાર્યવાહી કરશે. આ અગાઉ મેટ્રોપોલિટન પોલીસે કહ્યું હતું કે ‘’રવિવારે થનારા દેખાવોને પગલે જાહેરાત કરી હતી કે દેખાવો સામે એક “મજબૂત” પોલિસીંગ યોજના લાગુ કરવામાં આવશે અને અધિકારીઓ નિયમોનો ભંગ કરનાર સામે ધરપકડ સહિત દંડની સજા થશે તેવી ચેતવણી આપી હતી.
મેટ પોલીસ કમાન્ડર પોલ બ્રોગડને દેખાવો પૂર્વે જણાવ્યું હતું કે, ‘’અમુક સંજોગોમાં, જો તમે 30થી વધુ લોકો એકત્રીત થાવ છો અને જો તમે નિયમોની આવશ્યકતાઓને પૂર્ણ કરતા નથી, તો તમે કોઈ અલગ ગુનો કરી શકો છો, જે માટે દંડની સજા પણ છે. હું ઓલ્વિચ વિસ્તારમાં આવવા માંગતો લોકોને આવતા પહેલા પુનર્વિચારણા કરવા અને હાજર રહેનારા કોઈપણને તે વિસ્તાર છોડવા માટે પ્રોત્સાહિત કરીશ. અમારા અધિકારીઓ જરૂર હશે ત્યાં યોગ્ય પગલાં લેશે. પોલીસે તે વિસ્તારમાં રહેતા અને વાહનચાલકોને ફ્લીટ સ્ટ્રીટ, સ્ટ્રાન્ડ અને વોટરલૂ બ્રિજથી બચવા સલાહ આપી હતી.’’
બ્રિટિશ શીખોએ યોજેલા આ પ્રદર્શનમાં, “જસ્ટિસ ફોર ફાર્મર્સ, ભારત ખેડૂતોને વેચવાનું બંધ કરે અને અમે ભારતના ખેડૂતોનું સમર્થન કરીએ છીએ’’ જેવા સંદેશાઓ સાથે પ્લેકાર્ડ લહેરાવાયા હતા અને સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા. પ્રદર્શનમાં જોડાયેલા અનેક લોકો અને કારોએ રોડ જામ કર્યા હતા.
ભારતીય હાઈ કમિશનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “અમારું હાઇ કમિશન સંબંધિત અધિકારીઓ સાથે નજીકથી સંકલન કરી રહ્યું છે અને અમે તેમની સાથે મળીને હજારો લોકો વિશિષ્ટ મંજૂરી વિના કેવી રીતે એકઠા થઈ શકે છે તે તેમજ અન્ય મુદ્દાઓ ઉઠાવીશું અને તેના પર ધ્યાન આપીશું. એ ખૂબ જ જલ્દીથી સ્પષ્ટ થઈ ગયું છે કે ભારત વિરોધી ભાગલાવાદીઓ તત્વો દ્વારા આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરવામાં આવ્યું હતું અને પોતાના ભારત વિરોધી એજન્ડા ચલાવવા ભારતમાં થઇ રહેલા ખેડૂતોના વિરોધ પ્રદર્શનને ટેકો આપી આ તકનો ઉપયોગ કર્યો હતો.’’
ભારતીય હાઈ કમિશને ભારત સરકારના વલણનો પુનરોચ્ચાર કરતા કહ્યું હતું કે ‘’ભારતમાં કૃષિ સુધારણા બીલો સામેનો વિરોધ એ તેની આંતરિક લોકશાહી પ્રક્રિયાનો એક ભાગ છે. ભારત સરકાર વિરોધીઓ સાથે વાતચીત કરી રહી છે જે હજી ચાલુ છે. તે ભારતનો આંતરિક મુદ્દો છે. ભારતે યુકે સરકાર, સંસદ અને સંબંધિત લોકોને ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલા “ખેતીવાડી ક્ષેત્રના સુધારા”ની મૂળ સુવિધાઓ વિશે વિસ્તૃત માહિતી આપી છે.’’
આ દેખાવોમાં કેટલાક ખાલિસ્તાની તરફી લોકો પણ દેખાયા હતા અને ખાલિસ્તાની ધ્વજ સાથેના દેખાવોની વિડિયો ક્લીપ પણ સોશ્યલ મિડિયામાં વાઇરલ થઇ હતી.