
વિવાદાસ્પદ કૃષિ કાયદાનો વિરોધ કરીને દિલ્હીના ઇન્ડિયા ગેટ ખાતે એક ટ્રેક્ટરની સળગાવવામાં આવ્યું હતું. કર્ણાટકમાં પણ કૃષિ કાયદાના વિરોધમાં કેટલાંક ખેડૂત સંગઠનોએ સોમવારે રાજ્યવ્યાપી બંધનું એલાન આપ્યું છે. નવા કૃષિ કાયદાનો ખાસ કરીને પંજાબ અને હરિયાણાના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે.
દિલ્હી પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સોમવારે સવારે 7.15 વાગ્યે કેટલાંક વ્યક્તિ રાજપથ, માનસિંહ ક્રોસિંગ પાસે ટાટા 407 વ્હિકલમાં ટ્રેક્ટર લાવ્યા હતા અને ટ્રેકટરને નીચે ઉતારીને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. આ વ્યક્તિઓ યુવા કોંગ્રેસ પંજાબના સભ્યો હતા. દેખાવકારોએ કોંગ્રેસ તરફી સૂત્રોચ્ચાર કર્યા હતા. આ મામલામાં પોલીસે 5 લોકોની ધરપકડ કરી છે.
બીજી તરફ, પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે સોમવારે શહીદ ભગત સિંહ નગરમાં ધરણાં કરવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોનાં હિતોને ધ્યાનમાં રાખીને રાજ્યના કાયદામાં સુધારા સહિત તમામ વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે.
ગત સપ્તાહે સંસદમાં ખેડૂતો સાથે સંકળાયેલાં 3 બિલો પાસ થયાં હતાં. એના વિરોધમાં રાજ્યસભામાં હોબાળો કરનારા 8 વિપક્ષી સાંસદને સભાપતિ વેંકૈયા નાયડુએ સસ્પેન્ડ પણ કર્યા હતા. એ પછી વિપક્ષે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરીને બિલોને પરત મોકલવાની માગ કરી હતી. જોકે રાષ્ટ્રપતિએ રવિવારે બિલોને મંજૂરી આપી હતી.
