ભારતીય અવકાશયાત્રી રાકેશ શર્મા પર બાયોપિક બનવાની તૈયારી થઇ રહી છે. આ ફિલ્મનું નિર્માણ સિદ્ધાર્થ રોય કપૂર દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મની સ્ટારકાસ્ટ અત્યાર સુધી ઘણી વખત બદલાઇ ચુકી છે. આ ફિલ્મ સાથે ભૂતકાળમાં ઘણા ટોચના નામ જોડાયા છે. શાહરૂખ ખાન અને વિક્કી કૌશલના નામ ચર્ચામાં હતા અને હવે વધુ એક નવું નામ જોડાયું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, રાકેશ શર્માની બાયોપિક ‘સેલ્યુટઃ સારે જહાં સે અચ્છા’માં હવે ફરહાન અખ્તર મુખ્ય ભૂમિકા ભજવશે. ફિલ્મના પ્રોડયુસરે સિદ્ધાર્થ રોયે જણાવ્યું હતું કે, અમે શૂટિંગની શરૂઆત કરીશું ત્યારે હું આ વાતની જાહેરાત કરીશ. જોકે, કપૂરે એ વાતને સમર્થન આપ્યું નથી કે, શાહરૂખ અને વિક્કી નીકળી ગયા છે અને ફરહાન આ ફિલ્મમાં કામ કરશે.
આ બાયોપિક પર ગયા સપ્ટેબરમાં કામ શરૂ કરવાની યોજના હતી. પરંતુ શાહરુખ શૂટિંગ માટે તારીખ ફાળવી શક્યો નહોતો. અગાઉ આમિર ખાનનું પણ નામ આ ફિલ્મ માટે જોડાયું હતું.રાકશે શર્માની પત્નીના રોલ માટે કરીના કપૂર ખાન, કેટરિના કૈફ, અનુષ્કા શર્મા અને ભૂમિ પેડણેકરના નામની પણ ચર્ચા હતી. એક વાત એવી પણ હતી કે આ ફિલ્મનું કામકાજ ઠપ થઇ જવાથી ડબ્બા બંધ થઇ ગઇ હતી. પરંતુ હવે ફરી આ ફિલ્મની ચર્ચા થતા આ બાયોપિક બનવાની આશા ફરી જાગી છે.