આ વર્ષે આલિયા ભટ્ટ, રિતિક રોશન અને કાર્તિક આર્યનની બહુચર્ચિત ફિલ્મો રીલીઝ થશે. રિતિક રોશનની નવી ફિલ્મ ફાઈટર 26 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. તેમાં રિતિકની સાથે દીપિકા પાદુકોણ અને અનિલ કપૂર છે. ભારતની પ્રથમ એરિયલ એક્શન ફિલ્મ ગણાતી ફાઈટરનું પ્રમોશન પૂર જોશમાં શરૂ થઈ ગયું છે.
તેમાં રિતિક-દીપિકાની રોમેન્ટિક કેમિસ્ટ્રી અને એક્શન અંદાજને ઓડિયન્સ પસંદ કરી રહ્યું છે. કેટરિના કૈફ અને સાઉથના સ્ટાર વિજય સેતુપતિની ફિલ્મ મેરી ક્રિસમસ જાન્યુઆરીમાં આવી રહી છે. આ થ્રિલર ફિલ્મને અંધાધૂંધ અને બદલાપુર જેવી ફિલ્મોના ડાયરેક્ટર શ્રીરામ રાઘવને બનાવી છે.
આ વર્ષે કાર્તિક આર્યનની બે ફિલ્મ આવી રહી છે. ચંદુ ચેમ્પિયનમાં કાર્તિકનો એક્શન અવતાર જોવા મળશે. એક થા ટાઈગર અને બજરંગી ભાઈ જાન જેવી ફિલ્મો બનાવનારા કબીર ખાને કાર્તિકને નવા અંદાજમાં રજૂ કર્યો છે. રિયલ સ્ટોરી બેઝ્ડ આ ફિલ્મ જૂન મહિનામાં રિલીઝ થઈ શકે છે.
ભૂલ ભૂલૈયા 2થી કાર્તિક આર્યનને સ્ટારડમ મળ્યું હતું. આ ફિલ્મની સીક્વલ ભૂલ ભૂલૈયા 3 બની રહી છે. તે નવેમ્બર મહિનામાં રિલીઝ થઈ શકે છે. આલિયા ભટ્ટે હાર્ટ ઓફ સ્ટોનથી એક્શનની શરૂઆત કરી છે. જિગરા ફિલ્મમાં આલિયાને દિલધડક સ્ટન્ટ કરતાં જોઈ શકાશે. આ ફિલ્મની રિલીઝ ડેટ જાહેર થઈ નથી, પરંતુ તે 2024માં આવી જશે. આમ, થીયેટરમાં શાહરૂખ કે સલમાનની ખોટ ન વરતાય તે રીતનું આયોજન ફિલ્મ મેકર્સ દ્વારા કરવામાં આવ્યું છે.