પરિવારવાદી રાજનીતિ માટે વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન પર પ્રહાર કરતાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગુરુવારે જણાવ્યું હતું કે આગામી ચૂંટણીઓમાં લોકોએ સમાજના દરેક વર્ગને આગળ લઈ જવા માટે કામ કરનાર નેતા અને તેમના પોતાના પરિવારના સભ્યોને પ્રોત્સાહન આપનારા નેતા વચ્ચે પસંદગી કરવી પડશે.
મધ્યપ્રદેશમાં એક પછી એક બીજી ચૂંટણી રેલીઓને સંબોધતા અમિત શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે દેશમાં માત્ર ચાર જ્ઞાતિ અસ્તિત્વ ધરાવે છે અને તેમાં ગરીબ, યુવાનો, ખેડૂતો અને મહિલાઓનો સમાવેશ થાય છે અને મોદીનો મુખ્ય ઉદ્દેશ્ય તેમનું સશક્તિકરણ કરવાનો છે. ઇન્ડિયા ગઠબંધનના પરિવારવાદી પક્ષો ગરીબો, દલિતો, ખેડૂતો, યુવાનો, આદિવાસી, મહિલાઓ અને પછાત સમુદાયો માટે ક્યારેય કોઈ ભલું નહીં કરી શકે. આ વર્ગોના કલ્યાણ માટે જો કોઈ પ્રતિબદ્ધ હોય તે વડાપ્રધાન મોદીની સરકાર છે.
ખજુરાહો લોકસભા સીટ હેઠળના કટની વિસ્તારમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરતાં ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે વિરોધ પક્ષો માત્ર ભ્રષ્ટાચાર અને નાણાકીય ગેરરીતિમાં જ સામેલ થઈ શકે છે, અને તે તેમના ઇતિહાસમાં પણ પ્રતિબિંબિત થાય છે. તેમણે કોમનવેલ્થ ગેમ્સ, 2જી, નોકરી માટે જમીન, શારદા ચિટ ફંડ જેવા કૌભાંડનો ઉલ્લેખ કર્યો હતો. પરિવારવાદી પક્ષોનો એકમાત્ર ઉદ્દેશ્ય તેમના પુત્રો, પુત્રીઓ અને ભત્રીજાઓ માટે સત્તા મેળવવાનો છે. શરદ પવારનો ઉદ્દેશ્ય તેમની પુત્રીને, ઉદ્ધવ ઠાકરનો ઉદ્દેશ તેમના પુત્રને અને સ્ટાલિનનો હેતુ તેમના પુત્રને સીએમ બનાવવાનો છે. મમતા બેનરજી તેમના ભત્રીજાને સીએમ બનાવવા માગે છે અને સોનિયા ગાંધી રાહુલ બાબાને પીએમ બનાવવા માગે છે.