બ્રિટિશ નાગરિક અને કાયમી રહેવાસીઓએ ફેમિલિ વિસા પર જીવનસાથી અથવા સ્પાઉઝને યુકે બોલાવવા માટેની સૂચિત લઘુત્તમ વાર્ષિક પગારની મર્યાદા 11 એપ્રિલ 2024થી £18,600થી વધારીને £29,000 કરવામાં આવી છે. સરકારનો ધ્યેય તેને 2025ની શરૂઆતમાં £38,700 સુધી વધારવાનો છે. આવકની નવી આવશ્યકતા ફક્ત પ્રથમ વખત અરજી કરનારા લોકોને જ લાગુ થશે, તેમના જીવનસાથી વિઝા લંબાવનારા લોકોને નહીં.
હોમ સેક્રેટરી જેમ્સ ક્લેવરલીએ જણાવ્યું હતું કે ‘’આ પગાર મર્યાદા વધારવાથી અરજદાર તેમના પરિવારજનોની નાણાંકીય રીતે બરાબર સંભાળ લઇ શકશે. સરકાર માને છે કે કોઇ ક્ષેત્રે કાયમી ધોરણે ઇમિગ્રેશન પર આધારિત રહેવું જોઇએ નહીં. તેથી આજથી શોર્ટેજ ઓક્યુપેશન લિસ્ટ પણ નાબૂદ કરવામાં આવે છે. હવે એમ્પલોયર્સ શોર્ટેજ ઓક્યુપેશન ક્ષેત્રમાં વિદેશથી લવાતા કર્મચારીઓને યુકેના કર્મચારીઓ કરતાં ઓછો પગાર આપી શકશે નહીં. ઇન્ડિપેન્ડેન્ટ માઇગ્રેશન એડવાઇઝરી કમિટિ-એમએસી- દ્વારા બનાવવામાં આવેલાં નવાં ઇમિગ્રેશન સેલરી લિસ્ટમાં એવા જ કાર્યોને સમાવવામાં આવશે જેમાં કૌશલ્યની જરૂર પડે અને તેની અછત હોય.’’
ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિકસના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બર 2022-23 દરમ્યાન સ્કીલ્ડ વર્કર રૂટ હેઠળ અરજી કરનારા ભારતીયોની સંખ્યામાં 11 ટકાનો ઘટાડો થયો હતો.
આ અગાઉ 20,360 વિસાની સામે નવા 18,107 વિસા અપાયા હતા. જ્યારે સપ્ટેમ્બર 2023માં પુરા થયેલાં વર્ષમાં ફેમિલિ વિસા મેળવનારા ભારતીયોની સંખ્યા 44,445 રહી હતી. સ્ટુડન્ટ વિસા કેટેગરીમાં પણ ભારતીય નાગરિકોની સંખ્યા સૌથી વધારે રહી હતી. 43 ટકા ભારતીયોએ પોસ્ટ સ્ટડી ગ્રેજ્યુએટ વિસા રૂટ અપનાવ્યો હતો.