કર્ણાટકના મૈસૂર જિલ્લાના કાડાકોલા ગામ નજીક મંગળવાર, 27 ડિસેમ્બરે કાર અકસ્માતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ પ્રહલાદ મોદી અને તેમના પરિવારને સામાન્ય ઈજા થઈ હતી. પરિવાર કારમાં બેંગલુરુથી પર્યટન સ્થળ બાંદીપુર તરફ જઈ રહ્યો હતો ત્યારે અકસ્માત થયો હતો. ડ્રાઇવરે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો અને તે રોડ ડિવાઇડર સાથે અથડાઈ હતી.
આ અકસ્માતમાં સિત્તેર વર્ષીય પ્રહલાદ મોદી, તેમના પુત્ર મેહુલ મોદી (40), પુત્રવધૂ જીનલ મોદી અને તેમના છ વર્ષના પૌત્રને ઈજાઓ થઈ હતી. આ અકસ્માતમાં કારના ડ્રાઇવરને પણ ઇજા થઈ હતી. કારની એરબેગ સમયસર ખુલી હતી તેથી કારમાં બેઠેલા પરિવારને મોટી ઇજા થઈ ન હતી. તમામ ઇજાગ્રસ્તોને જેએસએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.મૈસુર પોલીસ સુપરિન્ટેન્ડન્ટ સીમા લાટકર અને અન્ય લોકો ઘટનાસ્થળે દોડી ગયા હતા. હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડોક્ટર મધુએ જણાવ્યું કે તમામ ઘાયલો ખતરાની બહાર છે. પ્રહલાદ મોદીના પૌત્રને માથાની ડાબી બાજુએ ઈજા થઈ છે.