લંડન ફાયર બ્રિગેડ સંસ્થાકીય રીતે ગેરવૈજ્ઞાનિક અને રેસીસ્ટ છે અને જો “ઝેરી સંસ્કૃતિ” પર ધ્યાન આપવામાં નહીં આવે કે તેનું નિરાકરણ લાવવામાં નહિં આવે તો તેમાં કામ કરતા ફાયરફાઇટર્સ ‘પોતાના જીવ લઈ શકે છે’ તેમ નોર્થ વેસ્ટ ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ચીફ ક્રાઉન પ્રોસીક્યુટર, નઝીર અફઝલની એક સમીક્ષામાં બહાર આવ્યું છે.
ઓગસ્ટ 2020માં એક તાલીમાર્થી ફાયર ફાઇટર દ્વારા પોતાનો જીવ લેવાના પગલે લંડન ફાયર કમિશનર દ્વારા શરૂ કરાયેલી સ્વતંત્ર સમીક્ષામાં જાણવા મળ્યું હતું કે લંડન ફાયર બ્રિગેડ “સંસ્થાકીય રીતે અયોગ્ય અને જાતિવાદી છે”. એક અશ્વેત ફાયરફાઇટરના લોકરમાંથી ફાંસો મળ્યો હતો અને એક મહિલા ફાયરફાઇટરને તેના પુરૂષ સાથીદારે અભદ્ર ફૂટેજ મોકલ્યા હતા.
લંડનના ફાયર કમિશનર એન્ડી રોએ સ્કાય ટીવીને કહ્યું હતું કે “બ્રિગેડમાં ભેદભાવ, સતામણી અને ગુંડાગીરી માટે કોઈ સ્થાન નથી અને આજથી તમામ સ્ટાફને તે સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ જશે કે કયું વર્તન સ્વીકાર્ય નથી અને તેના પરિણામો શું હશે. જે નુકસાન થયું છે તેના માટે હું દિલગીર છું. આપણી સંસ્કૃતિને સુધારવા માટે હું સંપૂર્ણ રીતે જવાબદાર રહીશ.”
લંડનના મેયર સાદિક ખાને સંસ્થાકીય દુરાચાર, જાતિવાદ અને ભેદભાવની પ્રકાશિત થયેલી વિગતોને ઘૃણાજનક ગણાવી હતી.