પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ તીર્થ ક્ષેત્રમાંથી ભગવાન શ્રીકૃષ્ણએ પોતાની માનવ લીલાને વિરામ આપ્યો અને વૈકુંઠ ગયા તેવા પ્રભાસ તીર્થમાં આવનાર ભક્તો માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રીઓ માટે સુવિધાઓમાં સતત વૃદ્ધિ કરવામાં આવી રહી છે. સોમનાથ મહાદેવના દર્શને આવનાર ભક્તો ગૌલોકધામ તીર્થનો અચૂક લાભ લઈ શકે તેના માટે ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈના સતત માર્ગદર્શનમાં આયોજનબદ્ધ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. સોમનાથ મંદિરથી ગૌલોકધામ તીર્થ સુધી દર કલાકે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા બસની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ટ્રસ્ટી જે.ડી પરમારના હસ્તે સોમનાથ મંદિર બહારથી કેસરી ધ્વજ ફરકાવીને બસ સુવિધાનો પ્રારંભ કરાયો હતો. શ્રદ્ધાળુઓ ભગવાન શ્રીકૃષ્ણની ચરણપાદુકાનું પૂજન અને અભિષેક કરી શકે તે માટે ટ્રસ્ટ દ્વારા વિશેષ પૂજાનો પ્રારંભ થયો છે, જેમાં માત્ર રૂ. 21 આપીને ભક્તો ચરણપાદુકાનું પૂજન કરી શકે છે. આ ઉપરાંત તેમને ઠાકોરજીને પ્રિય ઠોરની પ્રસાદી પણ આપવામાં આવે છે.

ભગવાન શ્રી વિષ્ણુના 24 અવતાર વિશે ભક્તો જ્ઞાન અને માહિતી મેળવી શકે તેના માટે પ્રાચીન લક્ષ્મીનારાયણ મંદિર ખાતે 24 અવતાર ગેલેરી તૈયાર કરવામાં આવી છે મંદિરની ઉપરની તરફ સમગ્ર આકાશગંગા ગેલેરીનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. અહીંના શ્રી ગીતામંદિર ખાતે શ્રીમદ ભાગવત ગીતાનું સંપૂર્ણ પઠન સંસ્કૃત ઉપાસક ઋષિ કુમારો દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત શ્રી સત્યનારાયણ ભગવાનની કથા, સંધ્યા સમયે શ્રીમદ ભાગવત દશમ સ્કંધનો પાઠ સહિત દિવસ દરમિયાન દૈનિક પણે ધાર્મિક કાર્યક્રમ ચાલે છે.

હિરણ, કપિલા અને સરસ્વતી નદીના કિનારે પ્રકૃતિના ખોળે વસેલા આ ધર્મ ક્ષેત્રમાં આવનાર ભક્તો કૃષ્ણ ભક્તિ અને પ્રકૃતિની સુંદરતામાં મંત્રમુગ્ધ થાય છે ત્યારે અનેક મોટા સમૂહ વન ભોજન માટે પણ ગૌલોક ધામ તીર્થને પસંદ કરે છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા હાઇ ડ્યુરેબલ ટેન્ટ તેમજ આર્ટિફિશિયલ ગ્રાસ લગાવીને વન ભોજન કરતા સમૂહ માટે વધારે સુલભ વાતાવરણ પૂરું પાડ્યું છે.

LEAVE A REPLY