મેટ પોલીસે તા. 23 જાન્યુઆરીના રોજ પાંચ દિવસમાં બીજી વખત સાઉથ લંડનના ક્રોયડનમાં લાઇવ ફેશિયલ રેકગ્નિશન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ગંભીર હિંસા, ચોરી અને ગુનાહિત નુકસાન જેવા અન્ય ગુનાઓ સંદર્ભે આઠ લોકોની ધરપકડ કરી હતી.
જેમની ધરપકડ કરવામાં આવી છે તેમાં ફોજદારી નુકસાનના ગુના માટે કોર્ટમાં હાજર રહેવામાં નિષ્ફળ રહેનાર 25 વર્ષની મહિલા; ચોરીનો ગુનો આચરી કોર્ટમાં હાજર નહિં થનાર 21, 23, 32 અને 26 વર્ષના ત્રણ પુરુષો; ડ્રગ-સંબંધિત ગુનાઓ માટે કોર્ટમાં હાજર થવામાં નિષ્ફળ રહેવાનાર 39 વર્ષના પુરુષ; ઘરફોડ ચોરીના ગુનામાં જેલમાં પાછા નહિં ફરેલ 21 વર્ષના યુવાન અને ટેગની શરતોનો ભંગ કરનાર 23 વર્ષીય પુરૂષનો સમાવેશ થાય છે.
લાઇવ ફેશિયલ રેકગ્નિશન ટેક્નોલોજી અંતર્ગત જે તે વિસ્તારમાં આ ડ્રાઇવ શરૂ કરતા પહેલા પોલીસ ડેટાબેઝ પર વોન્ટેડ ગુનેગારોના ફોટો અપલોડ કરવામાં આવે છે. તે પછી જે તે રોડ કે વિસ્તારમાંથી પસાર થતા લોકોના ચહેરાને લાઇવ ફેશિયલ રેકગ્નિશન ટેક્નોલોજી વડે સ્કેન કરાય છે. જો પસાર થતી વ્યક્તિનો ચહેરો ડેટા મુજબના ચહેરા સાથે મેચ થઇ જાય તો જે તે સ્થળ પરની પોલીસને એલર્ટ મળે છે અને તેઓ જે તે ગુનેગારને સ્થળ પરથી પકડી લે છે. આ પ્રોસેસ ખૂબ જ ઝડપથી થાય છે અને તે પોલીસ માટે ખૂબ જ મદદરૂપ થઇ રહી છે.
ક્રોયડોનમાં પોલીસિંગનું નેતૃત્વ કરતા ચીફ સુપરિન્ટેન્ડેન્ટ એન્ડી બ્રિટને કહ્યું હતું કે “અમે ગુના ઘટાડવા અને તેમાં મદદ કરવા માટે વિવિધ સાધનોનો ઉપયોગ કરી રહ્યા છીએ. ક્રૉયડનમાં છેલ્લી બે ડ્રાઇવ દરમિયાન લાઇવ ફેશિયલ રેકગ્નિશનનો ઉપયોગ કરીને અધિકારીઓએ 13 લોકોની ધરપકડ કરી છે.’’