બ્રિટનના સ્પર્ધા નિયમનકારે ફેસબૂકને GIF પ્લેટફોર્મ ગિફીની ખરીદી અંગે આપવામાં આવેલા આદેશનો ભંગ કરવા બદલ 50.5 પાઉન્ડનો દંડ ફટકાર્યો છે. કમ્પેટિશન એન્ડ માર્કેટ્સ ઓથોરિટી (CMA)એ જણાવ્યું હતું કે અમેરિકાની સોસિયલ મીડિયા કંપની ફેસબૂકે તેના આદેશનું જાણીજોઇને પાલન કર્યું નથી અને આ પેનલ્ટી એક વોર્નિંગ છે કે કોઇપણ કંપની કાયદાથી પર નથી.
ફેસબૂક તપાસ દરમિયાન જરુરી માહિતી પૂરી પાડવામાં નિષ્ફળ ગયું હતું. તેણે જણાવ્યું હતું કે તેઓએ કંપનીને અનેક વખત ચેતવણી આપી હતી અને તેના પછી ફેસબૂક નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ ગયું હોવાનો નિર્ણય લીધો હતો. આ અંગે વારંવાર આપવામાં આવેલી ચેતવણીની તેણે અવગણના કરી હતી.
સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે કંપનીએ પહેલી વખત તેમને જરુરી માહિતી પૂરી પાડી ન હોવાના લીધે જોગવાઈઓનો ભંગ કર્યો હતો. આ પ્રકારના આદેશો મર્જરની પ્રક્રિયાની તપાસ શરુ થાય ત્યારે આપવામાં આવે છે અને તેનો હેતુ તપાસ ચાલે ત્યાં સુધી કંપનીઓના મર્જરને રોકવાનો છે.
સીએમએના મર્જરના સિનિયર ડિરેક્ટર જોએલ બેમફોર્ડે જણાવ્યું હતું કે અમે ફેસબૂકને ચેતવણી આપી હતી કે અમને મહત્ત્વની માહિતી પૂરી પાડવાનો ઇન્કાર તે વાસ્તવમાં અમારા આદેશનો ભંગ છે, બે અલગ-અલગ કોર્ટમાં અપીલ હાર્યા પછી પણ ફેસબૂકે અમારા આદેશને માન્ય રાખ્યો ન હતો અને આમ તે કાયદાકીય જવાબદારીનું પાલન કરવામાં નિષ્ફળ ગઈ હતી. આ બાબત કોઈપણ કંપની પોતાને કાયદાથી પર માનતી હોય તેના માટે ચેતવણી સમાન છે.
ફેસબૂકે જણાવ્યું હતું કે તે આ નિર્ણયની સમીક્ષા કરશે અને તેના વિકલ્પો પર વિચાર કરશે. મીડિયા જાયન્ટે જણાવ્યું હતું કે અમે સીએમએના અમને સજા કરવાના અયોગ્ય નિર્ણય સામે આકરો વાંધો ઉઠાવીએ છીએ. અમારે નિયમોનું પાલન કરવાનો શ્રેષ્ઠ પ્રયત્ન કર્યો છે, જે સીએમએ માન્યતાપ્રાપ્ત છે.