વિશ્વમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો પાયો નાંખનાર કંપનીઓમાંની એક ફેસબૂકે હવે ટિકટોક અને યુટયૂબનો આકરી સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે. તેનાથી ફેસબૂકના ૧8 વર્ષના ઈતિહાસમાં પહેલી વખત તેના દૈનિક યુઝર્સ બેઝમાં ઘટાડો નોંધાયો છે. અનેક વિવાદોના કારણે વૈશ્વિક સ્તરે ટીકાઓનો સામનો કરનાર ફેસબૂકે ડિસેમ્બર ૨૦૨૧ના ત્રિમાસિક સમયમાં વૈશ્વિક સ્તરે પાંચ લાખ દૈનિક યુઝર્સ ગુમાવ્યા હતા. ફેસબુકના દૈનિક એક્ટિવ યુઝર્સની સંખ્યા સમગ્ર વિશ્વમાં અગાઉના ત્રિમાસિકમાં ૧.૯૩ બિલિયન હતી જે હાલ ઘટીને ૧.૯૨ બિલિયન થઇ ગઇ છે.

દુનિયામાં હવે ટિકટોક અને યુટયૂબનું ચલણ વધતાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેસબૂકની રાજાશાહી સામે જોખમ પેદા થયું છે. એટલું જ નહીં ડિસેમ્બર ત્રિમાસિકના નબળા પરિણામોના કારણે એક જ દિવસમાં ફેસબૂકની માર્કેટ કેપમાં રૂ. ૧૪.૯ લાખ કરોડ અને સીઈઓ ઝુકરબર્ગની સંપત્તિમાં રૂ. ૧.૭૯ લાખ કરોડનું ધોવાણ થયું હતું.

ફેસબૂકનું નામ બદલીને મેટા કરાયા પછી કંપનીએ સૌપ્રથમ ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા હતા. મેટાએ જણાવ્યું કે વર્ષ ૨૦૨૧ના છેલ્લા ત્રિમાસિકમાં યુઝર્સની સંખ્યા ઓછી થવાથી નફા પર અસર પડી છે. તેનાથી કંપનીને મળતી જાહેરાતો પર સીધી રીતે અસર થશે. ૨૦૨૧ના ચોથા ત્રિમાસિકમાં ફેસબૂકના દૈનિક એક્ટિવ યુઝર્સની સંખ્યા ૨.૯૧ બિલિયન હતી. અગાઉના ત્રિમાસિકની સરખામણીમાં આ સંખ્યામાં કોઈ વધારો થયો નહોતો. મેટાને દૈનિક યુઝર્સમાં સૌથી વધુ નુકસાન ઉત્તર અમેરિકામાં થયું હતું. મેટાને જાહેરાત દ્વારા અહીંથી સૌથી વધુ કમાણી થતી હતી.

એનાલિસ્ટોએ ફેસબુકના યુઝર્સની સંખ્યા ૧.૯૫ બિલિયન થવાની અપેક્ષા રાખી હતી. ૨૦૦૪માં શરૂ થયેલી ફેસબુકના યુઝર્સની સંખ્યામાં પહેલીવાર ઘટાડો થયો છે. ઉપરાંત વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ જેવા અન્ય મેટા એપ્સના યુઝર્સની સંખ્યામાં વધારો પણ એકંદરે ઓછો રહ્યો છે. મેટાના સીએફઓ ડેવ વેનેરે જણાવ્યું હતું કે, ૨૦૨૧ના ડિસેમ્બર ત્રિમાસિકમાં ફેસબૂકની એકંદર વૃદ્ધિમાં નરમાઈનું એક કારણ ભારતમાં ટેલિકોમ કંપનીઓ દ્વારા પ્રી-પેઈડ ડેટા પ્રાઈસમાં કરાયેલો ૨૫ ટકા સુધીનો વધારો પણ છે. તેમણે જણાવ્યું હતું કે, ‘એશિયા પેસિફિક અને રેસ્ટ ઓફ વર્લ્ડમાં કોરોનાના કારણે યુઝર્સની વૃદ્ધિ અટકી હતી. ભારતમાં પણ ડેટા પેકેજના ભાવ વધતાં વૃદ્ધિ મર્યાદિત રહી હતી.’