સોસિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબૂકે અશ્વેત વ્યક્તિના વિડિયો પર “પ્રાઇમેટ્સ”નું લેબલ મૂકતા વિવાદ ઊભો થયો હતો. તેનાથી ફેસબૂકે માફી પણ માગી હતી. પ્રાઇમેટ્સનો અર્થ વાંદરા સહિતના સસ્તન જંગલી પ્રાણીઓ એવો થાય છે
ન્યૂ યોર્ક ટાઇમ્સે જણાવ્યું હતું કે આ વિડિયો જૂનમાં એક ટેબ્લોઇડે પોસ્ટ કર્યો હતો અને અને તેમાં અશ્વેત વ્યક્તિ શ્વેત લોકો અને પોલીસ અધિકારીઓ સાથે ઝઘડો કરતો હતો. આ વિડિયો પૂરો થાય ત્યારે ઓટોમેટિક મેસેજ આવતો હતો કે પ્રાઇમેટ્સ અંગેના વિડિયો જોતા રહો.

જોકે વિવાદ ઊભો થતાં ફેસબૂકે આ મેસેજ દર્શાવવાનું બંધ કર્યું હતું અને આવી “અસ્વીકાર્ય ભૂલ” બદલ માફી માગી હતી. ફેસબૂકે વધુમાં જણાવ્યું હતું કે તે આવું ફરી વખત ન થાય તે માટે તે આ મુદ્દાની વધુ તપાસ કરશે.
કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ફેસબૂકે તેની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં સુધારો કર્યો છે, પરંતુ તે ક્ષતિરહિત નથી અને વધુ સુધારો કરવાની જરૂર છે. અગાઉ 2015માં ગૂગલે પણ બે અશ્વેત વ્યક્તિના ફોટો સાથે ગોરિલાનું લેબલ મૂક્યું હતું અને પછીથી માફી માગી હતી.