વાયરસના ફેલાવાને રોકવા અને રાષ્ટ્રવ્યાપી નિયંત્રણો હળવા કરવા માટેના વધુ પગલાં તરીકે આ શુક્રવાર તા. 24થી ઇંગ્લેન્ડમાં દુકાનો, સુપરમાર્કેટ્સ, શૉપિંગ સેન્ટર્સ, બેંકો, હાઉસીંગ સોસાયટીઝ, પોસ્ટ ઑફિસ અને ટ્રાન્સસ્પોર્ટ હબ્સ જેવા કે ઇન્ડોર ટ્રેન સ્ટેશનો, ટર્મિનલ્સ, એરપોર્ટ્સ, દરિયાઇ બંદરો, ઇન્ડોર બસ અને કોચ સ્ટેશન જેવી બંધ જાહેર જગ્યાઓમાં ચહેરો ઢંકાય તેવા માસ્ક પહેરવા કે ચહેરો ઢાંકી રાખવાનું ફરજીયાત બનાવવામાં આવ્યુ છે. લોકડાઉન ઉઠાવવા માટેનું આ નવું પગલું જરૂરી છે અને જનતાને તેનો ભાગ ભજવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે.
નવા નિયમો હેઠળ લોકો નાક અને મોઢાને ઢાંકવા માટે કાપડના દુપટ્ટા, સ્કાર્ફ, રૂમાલ કે માસ્કનો ઉપયોગ કરી શકાશે. લોકોને વારંવાર હાથ ધોવા અને સાવચેત રહીને સામાજિક અંતર જાળવવા અપીલ કરવામાં આવી છે.
પરંતુ આ નિયમોમાંથી રેસ્ટોરાં, પબ, હેરડ્રેસર અને અન્ય ટ્રીટમેન્ટ સલુન્સ, જીમ અને લેઝર સેન્ટર્સ, સિનેમા, કોન્સર્ટ હોલ અને થિયેટરોને મુક્તિ મળશે. કાફે અને દુકાનમાંથી ટેકઅવે તરીકે ખાવા પીવાનુ ખરીદતી વખતે ચહેરો ઢાંકવો ફરજિયાત રહેશે. પરંતુ જો ત્યાં બેસીને ખાવું હશે તો ચહેરા પરનો માસ્ક દૂર કરી શકાશે. 11 વર્ષથી ઓછી ઉંમરના બાળકને, અસક્ષમ અથવા શ્વસન કે અન્ય બીમારી ધરાવતા લોકોને પણ માફી આપવામાં આવી છે.
માસ્કનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો ચેપ લાગવાની શક્યતા નહિંવત રહે છે. ચહેરાને ઢાંકવાની જવાબદારી વ્યક્તિઓ પર નિર્ભર છે. બિઝનેસીસને પણ ગ્રાહકોને કાયદાનું પાલન કરવા માટે પ્રોત્સાહિત કરવા વાજબી પગલાં ભરવા જણાવાયું છે જેમાં નિશાનીઓ મૂકવા અને સ્ટોરમાં અન્ય માહિતી આપવા વિનંતી કરવામાં આવી છે.
હેલ્થ એન્ડ સોશ્યલ સેક્રેટરી મેટ હેનકોકે કહ્યું હતું કે ‘’જાહેર જનતા માટેના પ્રતિબંધોને હળવા કરવા આગલા તબક્કામાં આગળ વધવા, સુરક્ષિત રીતે ખરીદી કરવા અને ઉનાળામાં રિટેલ ઉદ્યોગનો સૌથી વધુ ઉપયોગ કરવા આ જરૂરી છે. દરેક વ્યક્તિએ વાયરસ સામે લડવામાં ભૂમિકા નિભાવવી જોઈએ. જનતાનો બલિદાન બદલ આભાર માનું છું.”
નિયમોનું પાલન નહિં કરનારને પોલીસ દ્વારા £100 સુધીનો દંડ થઈ શકે છે. પોલીસ આ રોગચાળા દરમ્યાન ખૂબ જ સ્પષ્ટ હતી કે તેઓ પહેલા લોકોને “વાત કરશે, સમજાવશે, પ્રોત્સાહિત કરશે અને છેલ્લે દંડ કરશે”.
લોકોને ભારપૂર્વક સલાહ આપવામાં આવે છે કે માસ્ક પહેરતા પહેલા તેઓ હાથ ધુએ અથવા સેનિટાઈઝરનો ઉપયોગ કરે. માસ્કને ઉતારવાનું ટાળવું અને તેને ફરીથી પહેરવાના હો તો તેને પ્લાસ્ટિકની થેલીમાં મૂકો. આંખો, નાક અથવા મોઢાને સ્પર્શ કરવાનું ટાળો.