પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતમાંથી આયાત કરાયેલ આંખના ટીપાં સાથે સંકળાયેલા એન્ટિબાયોટિક-પ્રતિરોધક બર્કોલ્ડેરિયા સેપેસિયા બેક્ટેરિયાનો ચેપ લાગતા એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને ઓછામાં ઓછા 52 લોકોને સારવાર લેવી પડી હતી. આ બેક્ટેરીયા ત્રણ અલગ-અલગ લ્યુબ્રિકેટિંગ આઇ ડ્રોપ્સમાં જોવા મળે છે.

આ બેક્ટેરિયાને સુપરબગ તરીકે ઓળખવામાં આવે છે અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં તેની સારવાર કરવી વધુ મુશ્કેલ અને સંભવિત ઘાતક બનાવે છે.

યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સી (યુકેએચએસએ)ના જણાવ્યા અનુસાર 52 પુષ્ટિ થયેલા કેસો છે અને છ સંભવિત કેસો છે, જેમાં ભોગ બનનાર એક નાનું બાળક છે અને સૌથી મોટી વ્યક્તિની વય 91 વર્ષની છે. 25 કેસોમાં “તબીબી રીતે નોંધપાત્ર ચેપ” જણાયો હતો, જ્યારે 11 લોકો આંખના ચેપનો ભોગ બન્યા હતા, જેમાં તેમની આંખની કીકી પર અલ્સર, કન્જ્ક્ટીવાઇટીસ અથવા ગંભીર “ડીપ ટિશ્યુ ઇન્ફેક્શન”નો સમાવેશ થાય છે. નવ દર્દીઓને શ્વસનતંત્રમાં ચેપ લાગ્યો હતો અને અન્ય ચારના લોહીમાં ઝેર જણાયું હતું.

હેલ્થ ઓથોરિટીએ ગયા નવેમ્બરમાં ઇન્ડિયાના ઓપ્થેલ્મિક્સ દ્વારા ઉત્પાદિત ત્રણેય પ્રોડક્ટ્સને પાછી ખેંચી લેવા ફરમાન કર્યું છે. જો કે હવે રોગ પૂરો થઇ ગયો છે પરંતુ આ વર્ષે ફેબ્રુઆરી સુધી કેસો બહાર આવતા રહ્યા હતા. માનવામાં આવે છે કે AaCarb, Aacomer અને Puroptics બ્રાન્ડેડ કાર્બોમર આઇ જેલ્સના વિવિધ બેચને અસર થઈ હતી.

આ દવા સામાન્ય રીતે આંખો સુકાતી હોય તેવા દર્દીઓને અપાય છે અને તેને £4.50 જેટલા ઓછા ખર્ચે ઓનલાઈન ખરીદી શકાય છે. મોટા ભાગના દર્દીઓની હોસ્પિટલમાં સારવાર દરમિયાન આંખમાં દવા નાંખવામાં આવી હતી. જો કે સ્ટાફ અજાણ હતો કે દવા દૂષિત છે. હવે દવાના ઉત્પાદકો અને સપ્લાયર્સે ખાતરી આપી કે યુકેમાં દવા વાપરવા માટે સલામત અને દૂષણ મુક્ત છે.

LEAVE A REPLY