– બાર્ની ચૌધરી
લંડનના મેયર સાદિક ખાને આગામી મે માસમાં યોજાનારી લંડનના મેયરની રેસ દરમિયાન તેમના વિશે જૂઠાણું અને ખોટી માહિતી ફેલાવવાની હરીફોની ગંદી યુક્તિઓ સામે ચેતવણી આપતાં ‘ગરવી ગુજરાત’ને આપેલી ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે ઉગ્રવાદીઓ મને રોકી શકશે નહિં.
ગયા વર્ષે નવેમ્બરમાં સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરાયેલ નકલી ઓડિયો ક્લિપનો ભોગ બનેલા મેયર સાદિક ખાને વિશિષ્ટ ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘’જેઓ મને પસંદ નથી કરતા તેઓ મને બદનામ કરવાનો પ્રયાસ કરવા માટે ડીપ ફેક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરશે.
તે નકલી ઓડીયો ટેપમાં મેયરને એવું બોલતા દર્શાવાયા હતા કે તેઓ આર્મીસ્ટાઇસ ડેને મુલતવી રાખવા માંગે છે, જેથી પેલેસ્ટાઈન તરફી કૂચ આગળ વધી શકે.
મેયરે જણાવ્યું હતું કે “તે સંપૂર્ણ જૂઠ હતું, સમસ્યા એ હતી કે ખોટી માહિતી જંગલની આગની જેમ ફેલાય છે. જેને ફાર રાઇટ, ઉગ્રવાદીઓ, કેટલાક કોન્ઝર્વેટિવ્સ અને અન્યોએ તેને વિસ્તૃત કર્યું હતું. એવી છાપ ઉભી કરાઇ હતી કે હું પોલીસને રિમેમ્બરન્સ ડે પર પ્રતિબંધ મૂકવાની સૂચના આપી રહ્યો હતો, અને તેના કારણે તે વિકેન્ડમાં ફાર રાઇટ લોકો ઉમટી પડ્યા હતા અને સેનોટાફની આસપાસ સમસ્યાઓ ઊભી કરીને પોલીસ પર હુમલો કરાયો હતો. ઘણા નિષ્ણાતો માને છે કે આ ડીપ ફેક ઓડિયોનું સીધું પરિણામ હતું. મારી ચિંતા એ છે કે, 2024માં, તમે આ પ્રકારની વધુ સામગ્રી, અલ્ગોરિધમનો તોફાની રીતે ઉપયોગ થતો જોશો.’’
નિષ્ણાત અધિકારીઓએ ફોની ઓડિયોની સમીક્ષા કર્યા પછી, મેટ પોલીસે કહ્યું કે આ બાબત “ફોજદારી ગુનો બનતી નથી”. ખાને કહ્યું હતું કે “મને મધ્ય પૂર્વમાં જે થયું, 7મી ઑક્ટોબરમાં હમાસે જે કર્યું, 1200 આત્માઓ ગુમાવ્યા, અને બાળકો અને અન્ય બંધકોને લઈ ગયા તેની નિંદા કરવી પડશે. પરંતુ ગાઝામાં નેતન્યાહુ અને તેમની સરકાર જે કરી રહી છે તેની પણ આપણે સ્પષ્ટપણે નિંદા કરવી પડશે. લગભગ 30,000 પુરુષો, સ્ત્રીઓ અને બાળકો માર્યા ગયા છે, હોસ્પિટલો નાશ પામી છે. તેથી જ હું યુદ્ધવિરામ માટે બોલી રહ્યો છું.”
2016માં મેયરની ચૂંટણી વખતે ખાનના હરીફ ઝેક ગોલ્ડસ્મિથે ખાન પર “ઉગ્રવાદીઓને કવર” આપવાનો આરોપ મૂક્યો હતો. તે વખતે ઇસ્લામોફોબિયાના આરોપોનો કન્ઝર્વેટિવ્સે ઇનકાર કર્યો હતો. પરંતુ મુસ્લિમ જૂથોએ ટોરી પક્ષ પર આરોપ લગાવ્યો હતો કે ખાન તેના ધર્મના કારણે તેને નિશાન બનાવે છે.
સાદિક ખાને પોતાની હરીફ ટોરી ઉમેદવાર સુસાન હોલની પસંદગીની ટીકા કરતાં કહ્યું હતું કે ‘’કંઝર્વેટિવે એવા ઉમેદવારને પસંદ કર્યા છે જે એક સખત જમણેરી રાજકારણી છે. તેઓ ડોનાલ્ડ ટ્રમ્પ, બોરિસ જૉન્સન અને સુએલા બ્રેવરમેનના સમર્થક છે. તેઓ માઇગ્રન્ટ્સને રવાન્ડામાં દેશનિકાલ કરવા માંગે છે, અને મને લાગે છે કે તેઓ લંડનની વિવિધતાને ધિક્કારે છે.
ગરવી ગુજરાતે હોલનો આ બાબતે સંપર્ક કરતાં તેણીએ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. ખાને કહ્યું હતું કે “મને વિશ્વાસ છે કે લંડનવાસીઓ એવી ચૂંટણી ઝુંબેશ જોશે જે આપણને વિભાજિત કરવા અને ભય ફેલાવવા માંગે છે. મને ચિંતા છે કે તેની અસર આપણા બાળકો પર પડશે. લોકો પોતાના સ્વજનોને કહેશે કે જુઓ સાદિક આમાંથી પસાર થઈ રહ્યો છે, તો તમે પણ રાજકારણમાં ન આવશો. એશિયન સમુદાયો મને વ્યક્તિગત હુમલાઓ માટે સમર્થન આપે છે. એશિયન સમુદાય અદ્ભુત રહ્યો છે. અહીં કરાયેલા કેટલાક સ્વતંત્ર સંશોધન દર્શાવે છે કે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ હતા ત્યારે મને મળતી નફરતમાં ભારે વધારો થયો છે. તેથી, મને આ વર્ષે પણ તેનો જ ડર છે.’’
ખાનને હજુ પણ પોલીસ સુરક્ષાની જરૂર છે, અને તેમણે કહ્યું હતું કે ‘’તેની અસર મારા પરિવાર પર પડી છે. પરંતુ હું જેમની સેવા માટે ચૂંટાયો છું તે લોકોને મળવાનું બંધ કરીશ નહીં. હું હજી પણ એક ટ્યુબનો ઉપયોગ કરું છું, ચાલું છું, રેસ્ટોરાંમાં જઉં છું, ગિગમાં જાઉં છું. પોલીસ માટે તે મુશ્કેલ છે, અને હું પોલીસનો ખરેખર આભારી છું. હું આશા રાખું છું કે લંડનવાસીઓ મને 2જી મેના રોજ ફરીથી તેમનો મત આપશે. હું લેબર વડા પ્રધાન સાથે કામ કરતા લેબર મેયરની તક વિશે ખરેખર ઉત્સાહિત છું. હું કેર સ્ટાર્મરને લગભગ 30 વર્ષથી ઓળખું છું, તેઓ એક સંપૂર્ણ શિષ્ટ માણસ છે, તેમણે અવિશ્વસનીય રીતે સખત મહેનત કરી છે.”