અમેરિકાની ધરતી પર શીખ ઉગ્રવાદી ગુરપતવંત સિંહ પન્નુનની હત્યાના કાવતરાના આરોપી ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાનું ચેક રિપબ્લિકથી અમેરિકામાં પ્રત્યાર્પણ કરવામાં આવ્યું છે. વોશિંગ્ટન પોસ્ટના રીપોર્ટ મુજબ ગુપ્તાને વીકએન્ડમાં ચેક રિપબ્લિકમાંથી ન્યૂયોર્ક લવાયો હતો. પન્નુનની હત્યાના કાવતરામાં ભારત સરકારના એજન્ટની સામેલગીરી હોવાના આરોપ વચ્ચે ગુપ્તાના અમેરિકામાં પ્રત્યાર્પણથી ભારત-અમેરિકાના સંબંધોને અસર થવાની ધારણા છે.

અમેરિકાની સરકારની વિનંતી પર ગયા વર્ષે ચેક રિપબ્લિકમાં 52 વર્ષીય નિખિલ ગુપ્તાની ધરપકડ થઈ હતી. પન્નુન અમેરિકન અને કેનેડિયન બેવડી નાગરિકતા ધરાવે છે.

ચેકની બંધારણીય અદાલતે ગયા મહિને યુએસમાં પ્રત્યાર્પણ સામેની ગુપ્તાની અરજીને ફગાવી દીધી હતી. યુએસ ફેડરલ પ્રોસિક્યુટર્સે આરોપ લગાવ્યો છે કે ગુપ્તા એક અનામી ભારત સરકારના અધિકારીના નિર્દેશો અનુસાર કામ કરી રહ્યાં હતાં. જોકે ભારતે આ કેસમાં તેની સંડોવણીને નકારી કાઢી છે અને આરોપોની ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરી છે.

નિખિલ ગુપ્તાને બ્રુકલિનમાં ફેડરલ મેટ્રોપોલિટન ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યો હતો અને તેને સોમવારે ન્યૂયોર્કની ફેડરલ કોર્ટમાં રજૂ કરવામાં આવે તેવી ધારણા હતી.

ફેડરલ પ્રોસિક્યુટર્સે આરોપ લગાવ્યો છે કે ગુપ્તાએ પન્નુનને મારવા માટે એક હિટમેનને રાખ્યો હતો અને એડવાન્સમાં 15,000 ડોલર ચૂકવ્યા હતાં. જોકે ગુપ્તાએ તેમના એટર્ની દ્વારા આરોપોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે તેમના પર “અયોગ્ય આરોપ” લગાવવામાં આવ્યો છે.

યુએસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાનની તેમના ભારતીય સમકક્ષ અજિત ડોભાલ સાથે ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેક્નોલોજી (iCET) સંવાદ પર વાર્ષિક પહેલ માટે આ અઠવાડિયે નવી દિલ્હીની મુલાકાત પર આવી રહ્યાં છે ત્યારે ગુપ્તાનું પ્રત્યાર્પણ થયું છે.

એપ્રિલ 2024માં વોશિંગ્ટન પોસ્ટે અહેવાલ આપ્યો હતો કે ભારતની ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (R&AW) અધિકારી વિક્રમ યાદવ આ કાવતરું ઘડ્યું હતું અને R&AW તત્કાલીન ચીફ સામંત ગોયલે ઓપરેશનને મંજૂરી આપી હતી. જોકે ભારતીય વિદેશ મંત્રાલયે આ અહેવાલને ફગાવી દીધો હતો.

 

LEAVE A REPLY