વિદેશ પ્રધાન એસ જયશંકરના સુરક્ષા કવચને ‘વાય’ કેટેગરીથી વધારીને ‘ઝેડ’ કેટેગરી કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ને તેમની સુરક્ષાની જવાબદારી સંભાળી લેવાનો આદેશ આપ્યો છે. હાલમાં દિલ્હી પોલીસ વિદેશ પ્રધાનને સુરક્ષા પૂરી પાડે છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
68 વર્ષીય જયશંકરને હાલમાં ‘વાય’ કેટગરીના સુરક્ષા કવચ હેઠળ દિલ્હી પોલીસની સશસ્ત્ર ટીમનું રક્ષણ મળે છે. હવે તેમને CRPF દ્વારા ‘Z’ કેટેગરીનું સુરક્ષા કવચ મળશે. આ કેટેગરીમાં 14થી 15 સશસ્ત્ર કમાન્ડોનું સુરક્ષા કવચ મળશે. સમગ્ર દિવસમાં તેમની સાથે હવે આ કમાન્ડો રહેશે.
હાલમાં આશરે 176 લોકોને CRPFના VIP સુરક્ષા કવચ મળે છે. તેમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાનો પણ સમાવેશ થાય છે.