અમેરિકાના ટેક્નોલોજી ક્ષેત્રમાં મોટા પાયે છટણીથી ભારતીય પ્રોફેશનલ્સ મોટી સંખ્યામાં બેરોજગાર બન્યા છે ત્યારે બે ઇન્ડિયન અમેરિકન ઓર્ગેનાઇઝેશને ઓનલાઇન પિટિશનમાં પ્રેસિડેન્ટ જો બાઇડેનને H-1B વિઝાહોલ્ડર્સનો ગ્રેસ પીરિયડ બે મહિનાથી વધારી એક વર્ષ કરવા ઓનલાઇન પિટિશન કરી છે.
પિટીશનની દરખાસ્તને મંજૂરી મળે તો નોકરીમાંથી છૂટા કરાયેલા વિદેશી પ્રોફેશનલને નવી નોકરી શોધવા માટે હાલના ૬૦ દિવસની જગ્યાએ એક વર્ષનો સમય મળશે. નિર્ધારિત સમયમાં નોકરી ન મળે તો વ્યક્તિએ અમેરિકા છોડવું પડશે. H-1B વિઝા નોન-ઇમિગ્રન્ટ વિઝા છે, જે અમેરિકન કંપનીઓને નિપુણતા ધરાવતા કામ માટે વિદેશી પ્રોફેશનલ્સ રાખવાની મંજૂરી આપે છે.
વિશ્વભરના ઇમિગ્રન્ટ અને ખાસ કરીને ભારત અને ચીનના ઇમિગ્રન્ટ્સ વતી ફાઉન્ડેશન ફોર ઇન્ડિયન ડાયાસ્પોરા સ્ટડીઝ એન્ડ ગ્લોબલ ટેકનોલોજી પ્રોફેશનલ એસોસિયેશનને અમેરિકાના પ્રેસિડન્ટ, હોમ લેન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટ અને યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસને એક અપીલ કરીને જણાવ્યું છે કે ગ્રેસ પિરિયડને હાલના 60 દિવસથી વધારીને 1 વર્ષ (ઓછામાં ઓછા 6 મહિના) કરવામાં આવે. ઓનલાઇન પિટિશનમાં જણાવાયું છે કે અમે અપીલમાં જોડાઈ માનવીય ધોરણે પરિવારો પર થતી અસર અંગે સહાનુભૂતિપૂર્વક વિચારણાની વિનંતી કરીએ છીએ. અત્યાર સુધીમાં ઓનલાઇન પિટિશન પર 2,200 લોકોએ હસ્તાક્ષર કર્યા છે.