168 percent reduction in terrorist incidents in Kashmir
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતની આર્મીએ રવિવારે આતંકવાદી નેટવર્કમાં મહિલાઓ, કિશોરોને સામેલ કરવાના પાકિસ્તાનની કુખ્યાત ગુપ્તચર એજન્સી ISIના ખતરનાક કાવતરાનો પર્દાફાશ કર્યો હતો. કાશ્મીર ખીણમાં ત્રાસવાદીઓ દ્વારા દૂરસંચારના પરંપરાગત માધ્યમોના ઉપયોગમાં ઘટાડો થઈ રહ્યો છે, પરંતુ હવે સંદેશા અને હથિયારોની આપલે માટે મહિલાઓ અને સગીરોનો ઉપયોગ થઈ રહ્યો છે.

શ્રીનગર સ્થિત 15 કોર્પ્સના જનરલ ઓફિસર કમાન્ડિંગ લેફ્ટનન્ટ જનરલ અમરદીપ સિંહ ઔજલાએ જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ સાવચેત રહેવાની જરૂર છે, કારણ કે નિયંત્રણ રેખા (એલઓસી)ની બીજી બાજુ બેઠેલા લોકો હાલના શાંતિપૂર્ણ માહોલને ખોરવી નાંખવાના કાવતરા ઘડી રહ્યાં છે. મને લાગે છે કે હાલનું જોખમ એ છે કે મહિલાઓ, યુવતીઓ અને સગીરોનો સંદેશાઓ, ડ્રગ્સ અને ઘણીવાર શસ્ત્રોના વહન કરવા માટે ઉપયોગ થઈ રહ્યો છે. આવા ઊભરતા ટ્રેન્ડને કેટલાંક કેસો આર્મીએ શોધી પાડ્યા છે. આ એક ખતરનાક હિલચાલ છે, જેને પાકિસ્તાનની આઇએસઆઇ અને ‘તંઝીમ’ (આતંકી જૂથો)ના વડાઓ અંજામ આપી રહ્યાં છે.

આર્મીએ કાશ્મીર ખીણમાં લોકોને કટ્ટરપંથી બનતા અટકાવવા માટે એક વ્યૂહરચના બનાવી છે. આ વ્યૂહચનાના ભાગરૂપે ‘સહી રાસ્તા’ જેવા સંખ્યાબંધ પ્રોગ્રામ બનાવવામાં આવ્યાં છે. આ પ્રોગ્રામ તાજેતરના સમયગાળામાં ગેમ ચેન્જર બની રહ્યાં છે. આપણે કાશ્મીરમાં શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે ખૂબ આગળ નીકળી ગયા છીએ, પરંતુ હું અત્યાર સુધી જીતનો દાવો કરીશ નહીં, કારણ કે હું માનું છું કે કાશ્મીરમાં કાયમી શાંતિ હાંસલ કરતાં પહેલા દરેક જીતને મજબૂત કરવાની જરૂર છે.

પાકિસ્તાનનું નામ લીધા વિના લેફ્ટનન્ટ જનરલ ઔજલાએ કહ્યું હતું મુખ્ય પડકાર એ છે કે પાડોશી દેશે પોતાનો ખરાબ ઈરાદો છોડ્યો નથી અને પીર પંજાલની બંને તરફ વારંવાર મુશ્કેલી ઊભી કરી રહ્યો છે. ઉત્તર કાશ્મીરના માછિલ સેક્ટરમાં ઘૂસણખોરીનો તાજેતરનો પ્રયાસ તેનો પુરાવો છે. તમામ સુરક્ષા એજન્સીઓ દુશ્મનોની કોઈપણ નાપાક યોજનાઓને નિષ્ફળ બનાવવા માટે સંપૂર્ણ સજ્જ છે. કાશ્મીરમાં અંકુશ રેખા પર ઘૂસણખોરીની પ્રવૃત્તિઓમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ પીર પંજાલ રેન્જના દક્ષિણમાં તેમજ પડોશી પંજાબમાં કેટલાક પ્રયાસો થયા છે.

તેમણે જણાવ્યું હતું કે આર્મીની કાર્યવાહીને કારણે ખીણમાં મોટાભાગના ત્રાસવાદીઓ ભાગી ગયા છે અથવા તો તેમની પ્રવૃત્તિઓમાં ઘટાડો કર્યો છે. ત્રાસવાદી સ્થાનિક છે કે વિદેશી તેનો ચોક્કસ આંકડો આપવાનું મુશ્કેલ છે, પરંતુ આ પ્રમાણ છેલ્લાં 33 વર્ષમાં સૌથી નીચું છે. આ વર્ષે કાશ્મીરમાં આતંકી હુમલો અને એન્કાઉન્ટરમાં ઘટાડો થયો છે, જે એક હકારાત્મક સંકેત છે.

LEAVE A REPLY