વરુણ ધવને તાજેતરમાં યોજાયેલા ઝી સિને એવોર્ડ સમારંભનું સંચાલન કરવા માટે રૂ. પાંચ કરોડ લીધા હોવાની ચર્ચા છે. આ એવોર્ડ સમારંભનું પ્રસારણ ગત મહિને કરવામાં આવ્યું હતું. આ શોમાં વરુણ ધવન, આલિયા ભટ્ટ, કાર્તિક આર્યન, ટાઇગર શ્રોફ, શાહિદ કપૂર, રશ્મિકા મંદાના, પૂજા હેગડે અને કિયારા અડવાણીએ પર્ફોર્મ કર્યું હતું. આ શોને થોડા સમય માટે વરુણે હોસ્ટ પણ કર્યો હતો. એ દરમ્યાન તેણે આયુષમાન ખુરાના સાથે મળીને ફની સેક્શનને હોસ્ટ કર્યો હતો. બન્નેએ આલિયાની ‘બ્રહ્માસ્ત્ર’ના ‘કેસરિયા’ ગીતની પૅરોડી ગાઈને લોકોને મનોરંજન કરાવ્યું હતું. હવે એવું જાણવા મળ્યું છે કે વરુણને એના માટે પાંચ કરોડ રૂપિયા ફી તરીકે આપવામાં આવ્યા છે. જોકે, આ રકમ અંગે અધિકૃત માહિતી સામે આવી નથી.