(ANI Photo)
બોલીવૂડના ફિલ્મકારો તેમનાં અભિનયની સાથે સાથે અતિભવ્ય જીવનશૈલી, મોંઘી કાર અને અનોખા શોખને કારણે પણ ચર્ચામાં રહેતા હોય છે. તેમની જીવનશૈલીમાં ઘર પણ મહત્વની ભૂમિકા ભજવે છે. આમ, તો કલાકારો મુંબઇમાં મોટાં અને મોંઘા ઘરોમાં રહેતા હોય છે પણ કેટલાંક એવા અભિનેતાઓ છે જેમનાં ઘર કોઈ આલીશાન રાજમહેલ જેવા જ છે. અહીં કેટલાક મોખરાનાં કલાકારોના મોંઘેરા ઘર વિશે વિગતો આપવામાં આવી છે.
શાહરુખ ખાન: ‘મન્નત’
બોલીવૂડના બાદશાહ શાહરુખ ખાનનું ઘર ‘મન્નત’ ફિલ્મસ્ટાર્સનાં આલીશાન બંગલોમાં સ્થાન ધરાવે છે. મુંબઇનાં બેન્ડસ્ટેન્ડમાં છ માળનાં આ સી-ફેસિંગ બંગલાની કિંમત રૂ. 200 કરોડ જેટલી હોવાનું કહેવાય છે. આ બંગલાનું મૂળ નામ ‘વિલા વિયેના’ હતું અને શાહરુખે વર્ષ 2001માં બાઇ ખુરશીદ ભાનુ સંજાણા ટ્રસ્ટ પાસેથી આ બંગલો  ખરીદ્યો હતો અને 2005માં તેનું નામ ‘મન્નત’ રાખ્યું હતું.
આલિયા-રણબીર કપૂરઃ ‘વાસ્તુ’
રણબીર કપૂર પત્ની આલિયા ભટ્ટ સાથે પાલી હિલમાં આવેલા ઘર ‘વાસ્તુ’માં રહે છે. 2460 સ્કવેર ફુટનાં આ ઘરની કિંમત રૂ. 35 કરોડ આંકવામાં આવે છે. એક રૂમમાં રણબીરના દાદા અને પ્રસિધ્ધ અભિનેતા-દિગ્દર્શક રાજ કપૂરનું ચિત્ર લગાવવામાં આવ્યું છે. તાજેતરમાં જ રણબીર અને આલિયાએ રૂ. 250 કરોડનો એપાર્ટમેન્ટ ખરીદ્યો છે, જે મુંબઇમાં સૌથી મોંઘો સેલિબ્રિટી ઘર હશે કારણ કે તેની કિંમત શાહરૂખનાં ‘મન્નત’ અને અમિતાભનાં ‘જલસા’ બંગલોથી પણ વધુ છે. સૂત્રોના જણાવ્યા મુજબ  રણબીર આ બંગલાની માલિક તરીકે એક વર્ષની પુત્રી રાહા કપૂરનું નામ રાખશે.
અક્ષયકુમાર
બોલીવૂડમાં અને પોતાના ચાહકોમાં ખિલાડી કુમાર તરીકે જાણીતા અક્ષયકુમાર અને ટ્વિન્કલનું ઘર સી ફેસિંગ છે, જેની કિંમત રૂ. 80 કરોડ હોવાનું કહેવાય છે. જુહુનાં આ ઘર સિવાય અક્ષય પાસે અનેક ઘર છે. વિદેશોમાં પણ તેનાં અનેક ઘર છે તેવું સૂત્રો કહે છે.
અજય દેવગણ: ‘શિવશક્તિ’
મોંઘા અને આલિશાન આશિયાના ધરાવતા ફિલ્મકારોમાં અજય દેવગણનાં ઘર ‘શિવશક્તિ’નો પણ સમાવેશ થાય છે. તેના જૂહુસ્થિત આ ઘરની કિંમત અંદાજે રૂ. 60 કરોડ છે.
વિરાટ-અનુષ્કાનો એપાર્ટમેન્ટ
વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા ઓમકાર 1973 નામનાં ત્રણ ટાવરનાં પરિસરમાં સી ટાવરમાં 35મા માળે રહે છે. તેનું આ એપાર્ટમેન્ટ ચાર બેડરૂમનું લક્ઝુરિયસ ઘર છે. 7171 સ્કવેર ફુટનાં એપાર્ટમેન્ટમાંથી અરબી સમુદ્રનો ખૂબસુરત નજારો જોવા મળે છે.
રણવીર-દીપિકા
રણવીર સિંઘ અને દીપિકા મુંબઇમાં લક્ઝરીયસ સી-વ્યુ ક્વાડ્રાપ્લેક્સ એપાર્ટમેન્ટમાં રહે છે. તેમનું આ એપાર્ટમેન્ટ શાહરુખના મન્નત બંગલોથી નજીક છે. રણવીર અને તેના પિતાની કંપનીએ બેન્ડસ્ટેન્ડ બાન્દ્રામાં અન્ડરકન્સ્ટ્રક્શન સાગર રેશમ કો-ઓપરેટવી હાઉસિંગ સોસાયટીમાં 16થી 19મો માળ ખરીદી લીધો હતો. તેમણે 11266 સ્કવેર ફુટ કારપેટ એરિયા ધરાવતો આ એપાર્ટમેન્ટ રૂ. 119 કરોડમાં ખરીદ્યો હતો.
અમિતાભ બચ્ચન: ‘જલસા’
બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનો બંગલો ‘જલસા’ બોલીવૂડનાં સૌથી મોંઘા ઘરોમાં સ્થાન પામ્યો છે. આ બંગલે બચ્ચનને મળવા માટે દર રવિવારે તેમના ચાહકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. મીડિયા રીપોર્ટ મુજબ 10,000 સ્કવેર ફુટ વિસ્તારમાં ફેલાયેલા આ બંગલાની કિંમત અંદાજે 100થી રૂ. 120 કરોડ હોવાનું કહેવાય છે. જુહુમાં આવેલા આ બંગલોમાં અમિતાભ પત્ની જયા, પુત્ર અભિષેક, પુત્રવધૂ ઐશ્વર્યા રાય, પૌત્રી આરાધ્ય બચ્ચન સાથે રહે છે. આશ્ચર્યની વાત એ છે કે, અમિતાભે આ બંગલો ખરીદ્યો નહોતો પણ 1982માં રિલીઝ થયેલી ફિલ્મ ‘સત્તે પે સત્તા’ના નિર્માતા એનસી સિપ્પીએ અમિતાભને તે ભેટમાં આપ્યો હતો.
પૂજા હેગડેનું ઘર પણ 45 કરોડનું
બોલીવૂડ ઉપરાંત સાઉથ ઇન્ડિયાની ફિલ્મોમાં પણ લોકપ્રિય અભિનેત્રી પૂજા હેગડે તાજેતરમાં મુંબઈમાં તેના રૂ. 45 કરોડનાં નવાં ઘરમાં રહેવા ગઇ હોવાનું કહેવાય છે. પૂજા હેગડેએ તાજેતરમાં બાન્દ્રામાં ચાર હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલું આ ઘર ખરીદ્યું હતું. આ ઘર સીફેસિંગ છે. તેની નજીકમાં જ બીજા ટોચના સ્ટાર્સનાં ઘર આવેલાં છે.
પૂજાએ બોલીવૂડ કરતાં સાઉથ ઇન્ડિયામાં અનેક હિટ ફિલ્મો આપી છે. પૂજા તાજેતરમાં સ્વ. વિનોદ મહેરાના પુત્ર રોહન સાથે જોવા મળી હતી. તે પરથી બંને વચ્ચે ડેટિંગ ચાલી રહ્યું હોવાની અટકળો થઇ હતી. જોકે, પૂજા અથવા તો રોહને આ અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી.  આ અગાઉ પૂજા મુંબઈના એક ક્રિકેટર સાથે રીલેશનશિપમાં હોવાનું પણ ચર્ચાયું હતું. પૂજાની નવી ફિલ્મ શાહિદ કપૂર સાથેની ‘દેવા’ છે.  આ ઉપરાંત તેની ‘સનકી’ નામની નવી ફિલ્મ પણ આવવાની છે.

LEAVE A REPLY