આમ આદમી પાર્ટી (AAP)ના વડા અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની શરાબ કૌભાંડમાં ધરપકડના મુદ્દે જર્મની પછી અમેરિકાએ પણ દખલગીરી કરી છે. અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું યુનાઇટેડ સ્ટેટ્સ સરકાર અરવિંદ કેજરીવાલની ધરપકડના અહેવાલો પર નજર રાખી રહી છે અને જેલમાં બંધ દિલ્હીના મુખ્યપ્રધાન અને વિપક્ષી નેતા માટે “ન્યાયી, પારદર્શક અને સમયસર કાનૂની પ્રક્રિયા” સુનિશ્ચિત કરવા માટે ભારત સરકારને પ્રોત્સાહિત કરી રહી છે.
અગાઉ જર્મનીના વિદેશ કાર્યાલયે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતના અન્ય નાગરિકોની જેમ આમ આદમી પાર્ટીના નેતા પણ ન્યાયી અને નિષ્પક્ષ ટ્રાયલ માટે હકદાર છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે ન્યાયતંત્રની સ્વતંત્રતા અને મૂળભૂત લોકશાહી સિદ્ધાંતોના સંબંધિત ધોરણો આ કિસ્સામાં લાગુ કરવામાં આવશે. જર્મનીની આ ટિપ્પણી પર ભારત સરકારે આકરી પ્રતિક્રિયા આપી હતી અને જર્મન રાજદૂતને સમન્સ કર્યા હતા. ભારતે જર્મન વિદેશ કાર્યાલયના પ્રવક્તાની ટિપ્પણીને “આંતરિક બાબતોમાં સ્પષ્ટ હસ્તક્ષેપ” ગણાવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે હજુ સુધી અમેરિકાના આ નિવેદન પર કોઇ પ્રતિક્રિયા આપી નથી.
અરવિંદ કેજરીવાલની 21 માર્ચે દારૂ નીતિ કૌભાંડ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટમાં તેમની હાજરી સમયે તેમણે કહ્યું હતું કે તેઓ રાજીનામું નહીં આપે અને જો જરૂર પડશે તો જેલમાંથી સરકાર ચલાવશે.