ભૂતપૂર્વ વડા પ્રધાન સર એડવર્ડ હીથના ઘર અરુન્ડેલ્સમાં સર એડવર્ડ હીથ ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા ‘એક્ઝોડસ: ધ યુગાન્ડન એશિયન્સ ક્રાઈસિસ ઓફ 1972’ પ્રદર્શનનો શુક્રવારે 12મી ઑગસ્ટના રોજ શુભારંભ કરવામાં આવ્યો છે.
આ પ્રદર્શનમાં 1972માં પ્રમુખ ઈદી અમીન દ્વારા યુગાન્ડામાંથી એશિયન સમુદાયને બળજબરીથી હાંકી કાઢવાની અને 28,000થી વધુ શરણાર્થીઓને સ્વીકારવા માટે સર એડવર્ડ હીથની સરકારની ઈચ્છાનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. 4 ઓગસ્ટ 1972ના રોજ અમીને 90 દિવસમાં યુગાન્ડાની લગભગ સમગ્ર એશિયન વસ્તીને હાંકી કાઢવાનો તેમનો ઈરાદો જાહેર કર્યો હતો. આ પ્રદર્શન યુગાન્ડામાંથી એશિયન સમુદાયની હકાલપટ્ટીની નોંધપાત્ર વાર્તા કહે છે તથા તેઓ બ્રિટિશ પાસપોર્ટ ધારક હોવા છતાં તેમને બ્રિટનમાં આવવા દેવા અંગે કેટલાક રાજકીય તત્વોના પ્રારંભિક પ્રતિકાર –– અને એડવર્ડ હીથની સરકારના હિંમતભર્યા નિર્ણયની વાતો કરાઇ છે.
આ પ્રદર્શનમાં યુગાન્ડામાં એશિયન સમુદાયનો ઇતિહાસ, દેશના અર્થતંત્રમાં તેમની સ્થિતિ અને તેમની નાગરિકતાની સ્થિતિ, હકાલપટ્ટીના હુકમ પછી તેમની યુગાન્ડા અને યુકેમાં સ્થિતી, તેમને લૂંટવાની, હેરાન કરવાની અને બળાત્કાર કરવાની તથા માત્ર કુટુંબ દીઠ £50 કરતાં ઓછી રકમ જ લઇ જવા દેવાઇ હોવાની રજૂઆતો કરાઇ છે. આ ઉપરાંત યુગાન્ડા રિસેટલમેન્ટ બોર્ડની દેખરેખ હેઠળ તેમનું સ્ટેન્સ્ટેડ એરપોર્ટ પર આગમન, 16 અસ્થાયી શિબિરોમાં સમાવેશ, લંડન અને લેસ્ટરમાં વસવાટ વગેરે વાતો જણાવાઇ છે. વસાહતોના વિરોધ અંગે સંસદમાં અને કન્ઝર્વેટિવ પાર્ટી કોન્ફરન્સમાં ઇનોક પોવેલ, એમપીના પ્રવચનો, મન્ડે ક્લબ દ્વારા ઝુંબેશ અને છેલ્લા 50 વર્ષોમાં યુગાન્ડાન એશિયન સમુદાયે બ્રિટનમાં આપેલા નોંધપાત્ર યોગદાનની સમીક્ષા કરાઇ છે.
સર એડવર્ડ હીથ ચેરીટેબલ ફાઉન્ડેશનના અધ્યક્ષ, પીટર બેટી સીએમજી, ઓબીઇએ કહ્યું હતું કે “‘યુગાન્ડન એશિયનની હકાલપટ્ટીની 50મી વર્ષગાંઠ નિમિત્તે, આ પ્રદર્શન 28,500 શરણાર્થીઓની નોંધપાત્ર વાર્તા કહે છે. જેમને એડવર્ડ હીથ સરકારે ખુલ્લા હાથો આવકાર્યા હતા. હીથનો નિર્ણય નૈતિક અને કાયદેસર રીતે સાચો હોવા ઉપરાંત બહાદુરીભર્યો હતો.”
આહલુવાલિયા ફેમિલી ફાઉન્ડેશન અને રૂમી ફાઉન્ડેશનના ઉદાર સમર્થનથી આ પ્રદર્શન શક્ય બન્યું છે. તેના સલાહકારોમાં શૈલેષ વારા, એમપી, કાઉન્સિલર રવિ ગોવિંદિયા અને ઇકોટુરિઝમ નિષ્ણાત અને ઉદ્યોગસાહસિક પ્રવીણ મોમનનો સમાવેશ થાય છે. સ્થળ: ARUNDELLS 59 CATHEDRAL CLOSE, SALISBURY, WILTSHIRE, SP1 2EN.