ગુજરાત વિધાનસભાની ચૂંટણીના કુલ સાત એક્ઝિટ પોલના સરેરાશ અંદાજ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્યમાં ભાજપ ભવ્ય વિજય સાથે સતત સાતમી વખત સત્તા પર આવશે. તમામ સાતેય એક્ઝિટ પોલમાં ભાજપને સ્પષ્ટ બહુમતીનો સંકેત આપવામાં આવ્યો છે. સરેરાશ અંદાજ મુજબ 182 સભ્યોની વિધાનસભામાં ભાજપને 131, કોંગ્રેસને 41, આમ આદમી પાર્ટીને 8 અને અન્યોને 4 બેઠકો મળવાની શક્યતા છે. રાજ્યમાં બહુમતી માટે 92 બેઠકોની જરૂર પડે છે.
જો એક્ઝિટ પોલના તારણો સાચા પડશે તો 2002 પછી આ ભાજપનો શ્રેષ્ઠ દેખાવ હશે. અહીં ઉલ્લેખનીય છે કે 2002માં ગોધકાંડ પછી ગુજરાતમાં રમખાણો પછી ભાજપને 127 બેઠકો મળી હતી. 2017ની ચૂંટણીમાં ભાજપને માત્ર 99 ટકા બેઠકો મળી હતી, જ્યારે કોંગ્રેસને 77 બેઠકો મળી હતી.
આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસનો પ્રચાર નિસ્તેજ રહ્યો હતો. આમ આદમી પાર્ટીની રાજ્યમાં એન્ટ્રી પછી કોંગ્રેસે જાણે કે મેદાન છોડી દીધું હતું. કોંગ્રેસ તરફથી સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી કે બીજા કોઇ દિગ્ગજ નેતાઓ પ્રચાર માટે આવ્યા ન હતા. જોકે કોંગ્રેસ તેના લો પ્રોફાઇલ પ્રચાર ગણાવતી હતી.
બીજી તરફ ભાજપ વતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રચારની કમાન સંભાળી હતી અને તેમને 30થી વધુ ચૂંટણીસભા અને સંખ્યાબંધ રોડ-શો કર્યા હતા. આમ આદમી પાર્ટીએ જોરશોરથી પ્રચાર કર્યો હતો અને અનેક લોભામણ ચૂંટણીવચનો આપ્યા હતા.
પોલ ઓફ એક્ઝિટ પોલ
એજન્સી ભાજપ કોંગ્રેસ AAP અન્ય
આજતક-એક્સિસ માય ઇન્ડિયા 129-151 16-30 9-21 2-6
ABP-સી-વોટર 128-140 31-43 3-11 2-6
ન્યૂઝ એક્સ- જન કી બાત 117-140 34-51 6-13 1-2
રિપબ્લિક ટીવી TV P-માર્ક 128-148 30-42 2-10 0-3
ટાઇમ્સ નાઉ-ETG 139 30 11 2
TV9 ગુજરાતી 125-130 40-50 3-5 3-7
ઝી ન્યુઝ- BARC 110-125 45-60 1-5 0-4
પોલ ઓફ એક્ઝિટ પોલ 132 38 8 4