ભારતના પાંચ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પૂરી થયા બાદ સોમવાર વિવિધ એક્ઝિટ પોલ જાહેર થયા હતા. આ એક્ઝિટ પોલના સરેરાશ તારણો મુજબ ઉત્તરપ્રદેશ અને મણીપુરમાં ફરી ભાજપની સરકાર બનવાની શક્યતા છે, જ્યારે પંજાબમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી બાજી મારી જાય તેવી શક્યતા છે. ગોવા અને ઉત્તરાખંડમાં ત્રિશંકુ વિધાનસભાની આગાહી કરવામાં આવી છે. પાંચ રાજ્યોની આ ચૂંટણીને 2024માં લોકસભાની ચૂંટણીની સેમી ફાઇનલ માનવામાં આવે છે. આ તમામ રાજ્યોની ચૂંટણીના પરિણામ 10 માર્ચે જાહેર થશે.
ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે થયેલા ચાર એક્ઝિટ પોલના સરેરાશ તારણ મુજબ રાજ્યની કુલ 403 બેઠકમાંથી ભાજપ અને સાથી પક્ષોને 240 બેઠકો મળવાની શક્યતા છે, જ્યારે અખિલેશ યાદવના વડપણ હેઠળની સમાજવાદી પાર્ટીને 140 બેઠક મળવાની શક્યતા છે. રાજ્ય વિધાનસભામાં સ્પષ્ટ બહુમતી માટે 202 બેઠકોની જરૂર પડે છે. ઉત્તરપ્રદેશમાં હાલ ભાજપની સત્તા છે.
કુલ પાંચ એક્ઝિટ પોલના સરેરાશ તારણો મુજબ પંજાબમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને રાજ્યની કુલ 117 બેઠકોમાંથી 68 બેઠકો મળવાની આગાહી છે. પંજાબમાં હાલ કોંગ્રેસની સરકાર છે.
ઉત્તરાખંડમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ગળાકાપ સ્પર્ધાના સંકેત મળે છે, જોકે ભાજપને થોડી સરસાઈ મળવાની ધારણા છે. ગોવામાં પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર સ્પર્ધા છે. એક્ઝિટ પોલ્સના અંદાજ મુજબ ગોવામાં કુલ 40 બેઠકોમાંથી ભાજપને 18 અને કોંગ્રેસને 15 બેઠકો મળવાની શક્યતા છે. ગોવામાં હાલ ભાજપની સરકાર છે. મણીપુરમાં ભાજપની કુલ 60 બેઠકોમાંથી 30 બેઠકો મળવાની ધારણા છે, જ્યારે કોંગ્રેસને 14 બેઠકો મળી શકે છે. રાજ્યમાં હાલ ભાજપન સરકાર છે અને બહુમતી માટે 31 બેઠકોની જરૂર પડે છે.