કેનેડામાં નિજ્જર અને અન્ય કેટલીક હત્યાની ઘટનાઓના સંદર્ભમાં તથા ખાસ કરીને એ ઘટનાઓની અમેરિકામાં સ્થાયી થયેલા રાષ્ટ્રવાદી હિન્દુત્ત્વના પુરસ્કર્તાઓ, સોશિયલ મીડિયામાં છવાયેલા રહેતા પરિબળો દ્વારા કરાયેલી ઉજવણીના પ્રત્યાઘાતરૂપે અમેરિકામાં ડીપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસના નેજા હેઠળ યોજાયેલી સર્વધર્મના પ્રતિનિધિઓની બેઠકોમાંથી દેશની એક ટોચની હિન્દુ સંસ્થા – હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન – HAF ની બાદબાકી કરાઈ છે. દેશના હિન્દુ સંગઠનોમાં સૌથી વધુ મહત્ત્વની આ સંસ્થાને વોશિંગ્ટનના ધાર્મિક લઘુમતી જૂથોના સમૂહ માટેની બેઠકમાથી બાકાત કરવામાં આવી હતી.
યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે છેલ્લે 1 ઓગસ્ટના રોજ આયોજિત સર્વધર્મ બેઠકમાં મુસ્લિમ, આરબ, શીખ, સાઉથ એશિયન અને હિન્દુ સમુદાયો સાથે બેઠક યોજી હતી પરંતુ અન્ય ભારતીય લઘુમતી જૂથોની લાંબા સમયની રજૂઆતો પછી હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન (HAF)ને તેમાં આમંત્રણ અપાયું નહોતું.
સૂત્રોના જણાવ્યા મુજબ, નિજ્જરની હત્યા અને તે અગાઉ જે હત્યાની ઘટનાઓ બની હતી તેમ જ ભારતીય રાષ્ટ્રવાદી જૂથો દ્વારા તે મુદ્દે દાવા કરાયા હતા તે મુજબ, બેઠકમાં ભાગ લેનારા મુસ્લિમ, શીખ અને કેટલાક હિન્દુ જૂથો સાથે સંકળાયેલાઓ અને તેમના પરિવારજનો સામે જોખમ ઊભું થાય નહીં તે માટે ફાઉન્ડેશનને બાકાત રાખવાનો નિર્ણય ઉતાવળમાં લીધો હોવાનું જણાય છે. ડીપાર્ટમેન્ટે મુસ્લિમ, આરબ, શીખ, સાઉથ એશિયન અને હિન્દુ સમુદાયો (MASSAH) સાથે ગુપ્ત બેઠકો કરી હતી.
ફાઉન્ડેશન જણાવ્યું હતું કે, તેમણે હજુ તે વિશે માહિતી મેળવી નથી કે, શા માટે તેમને આ બેઠકમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા. ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ મેટ મેકડર્મોટે મીડિયાને જણાવ્યું હતું કે, “અમને બાકાત રાખવા બાબતે અમને હજુ સુધી કોઇ જવાબ મળ્યો નથી.” ભારતીય લઘુમતી જૂથોએ એવો ભય વ્યક્ત કર્યો હતો કે, ફાઉન્ડેશન ભારત સરકાર સાથે સંકળાયેલું છે અને MASSAHની બેઠકમાં તેમની હાજરીથી અન્ય ધર્મોની સલામતી સામે જોખમ ઊભું થઇ શકે છે.