પાકિસ્તાનમાં તોશાખાના મુદ્દે ભૂતપૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનનો વિવાદ વધી રહ્યો છે. ઈમરાન ખાન શનિવારે લાહોરથી ઈસ્લામાબાદ માટે જ્યારે કોર્ટમાં જવા નીકળ્યા ત્યારે ઘરે જમાન પાર્કમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ઈમરાન ખાનની ગેરહાજરીનો લાભ લઈ સુરક્ષાદળોએ તેમના ઘર પર ક્રેન-બુલડોઝર સાથે તોડફોડ કરી હતી. આ દરમિયાન ઈમરાન ખાનના ઘરનો દરવાજો તોડીને સુરક્ષાકર્મીઓ અંદર પ્રવેશી ગયા હતા. ઈમરાન ખાનની ધરપકડ માટે દસ હજાર જેટલા જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે.
સમાચાર સૂત્રોના જણાવ્યા મુજબ ઈમરાન ખાને આ મામલે ટ્વીટરના માધ્યમથી કહ્યું છે કે, હવે એ સ્પષ્ટ થયું છે કે મને તમામ કેસમાં જામીન મળવા છતાં સરકાર મારી ધરપકડ કરવા ઇચ્છે છે. મને કાયદામાં વિશ્વાસ છે, સરકારના દુર્ભાવનાપૂર્ણ ઈરાદાઓને જાણવા છતાં હું કોર્ટમાં જઈ રહ્યો છું. જોકે દરોડા દરમિયાન બુશરા બીબી ઘરે એકલા જ હતા.
કહેવાય છે કે, પોલીસની કાર્યવાહીથી નારાજ ઇમરાન ખાનના સમર્થકોએ વિરોધ પ્રદર્શન કર્યા હતા જેના કારણે ઘર્ષણની સ્થિતિ સર્જાઇ હતી. આ દરમિયાન સંપૂર્ણ તૈયારી સાથે આવેલા પોલીસ કાફલાએ પ્રદર્શનકારીઓ સામ ફાયરિંગ કર્યું હોવાનું સૂત્રો કહે છે. આ ઘર્ષણ દરમિયાન ત્રણ પોલીસ કર્મચારીઓને ઇજા થઇ છે અને પેટ્રોલ બોમ્બ માર્યા હોવાનું પણ માહિતી મળી છે.