રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સોમવારના રોજ પૂર્વ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) રંજન ગોગોઈનું નામ રાજ્યસભા માટે મોકલ્યું હતું. ત્યારબાદથી રાજકીય કોરિડોરમાં ઉથલ-પાથલ મચી ગઈ છે. પત્રકારો સાથે વાતચીત દરમિયાન પૂર્વ ચીફ જસ્ટીસ ગોગોઈએ આ મામલે નિવેદન આપ્યું છે. રાજ્યસભાની સભ્યતા લેવાના પ્રશ્ન પર પૂર્વ ચીફ જસ્ટિસે કહ્યું કે મને એક વખત શપથ ગ્રહણ કરી લેવા દો ત્યારપછી હું તમને જણાવીશ કે મેં રાજ્યસભાની સભ્યતા કેમ સ્વીકારી.
ચીફ જસ્ટિસે કહ્યું કે ‘હું કદાચ કાલે (બુધવારના રોજ) દિલ્હી જઈશ. મને શપથ ગ્રહણ કરી લેવા દો. પછી હું વિસ્તારપૂર્વક મીડિયા સમક્ષ જણાવીશ કે મેં રાજ્યસભાનું સભ્યપદ શા માટે સ્વીકાર્યું…?’ નોંધનીય છે કે રંજન ગોગોઈ 17 નવેમ્બર 2019ના રોજ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે સેવામાંથી નિવૃત્ત થયા હતા.
ચીફ જસ્ટિસ સેવા નિવૃત્ત થયા તે અગાઉ તેમની અધ્યક્ષતામાં બનેલી બેંચે અયોધ્યા ઉપરાંતના કેટલાક મહત્વના કેસની સુનાવણી કરી ચુકાદો સંભળાવ્યો હતો. કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે પૂર્વ ચીફ જસ્ટિસ ગોગોઈનું રાજ્યસભા માટે નામ મોકલવા માટે મંગળવારના રોજ દાવો કર્યો હતો કે લોકો ગોગોઈને ન્યાયતંત્ર અને પોતાની ઈમાનદારી સાથે સમજૂતી કરવા બદલ યાદ રાખશે.